Western Times News

Gujarati News

પંજાબમાં કાર અને એલપીજી ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર

ચંદીગઢ, પંજાબમાં હોશિયારપુર-ઝાલંધલર નેશનલ હાઇવે પર એક એલજીપી ટેન્કર અને અન્ય વાહન વચ્ચે ટક્કર બાદ થયેલા ભીષણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે લોકોના મોત નિપજ્યા છે. જોકે, ૫૦થી વધુ લોકો દાઝ્યા હતા.

મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે આશરે ૧૦ઃ ૪૫ વાગ્યે અકસ્માત સર્જાયો હતો. એલપીજી ટેન્કર બીજા વાહન સાથે અથડાયા પછી, ગેસ લીક થવા લાગ્યો, જેના કારણે આસપાસના ચાર-પાંચ મકાનો અને ૧૫થી વધુ દુકાનોમાં આગ લાગી ગઈ હતી.

ઘણાં ગ્રામજનો પણ આગમાં ફસાયા હતા. જેમાંથી ઘણાં લોકો ઘરમાં સૂતા હતા, તેથી તેમને ભાગવાનો વધુ સમય ન મળ્યો. આ ઘટનામાં ઓછામાં ઓછા બે લોકોના મોત નિપજ્યા છે અને ૫૦થી વધુ લોકો આગમાં દાઝ્યા હતા. જોકે, હજુ સુધી કેટલા લોકો ગુમ છે, તે વિશે કોઈ નક્કર માહિતી સામે નથી આવી.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ ટેન્કરે એક કારને ટક્કર મારી હતી, ત્યાર બાદ ગેસ લીક થવાના કારણે ધમાકો થયો અને આખાય વિસ્તારમાં આગ લાગી ગઈ હતી. તેજ હવાના કારણે ગેસ ફેલાતો રહ્યો અને તેની સાથે આગ પણ વધતી રહી. ગ્રામજનો પોતાનો જીવ બચાવવા ગમે ત્યાં ભાગી રહ્યા હતા.

હાલ ઈજાગ્રસ્તોને હોશિયારપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં ૫-૭ લોકો એવા છે, જે ખૂબ જ ગંભીર રીતે બળી ગયા છે અને તેમને બીજી હોસ્પિટલ લઈ જવા કહેવામાં આવ્યું છે.

આ દરમિયાન પોલીસે હોશિયારપુર-ઝાલંધર નેશનલ હાઇવે પર બેરિકેડ લગાવી દીધા છે અને વાહનોની અવર-જવર પર રોક લગાવી દીધી છે. જોકે, હજુ સુધી સ્થિતિ સંપૂર્ણ સ્થિર નથી થઈ. પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ દુર્ઘટનાના કારણ અને નુકસાનની તપાસ કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.