Western Times News

Gujarati News

કચરામાંથી કંચન બનાવવાની યોજનાઓના અમલીકરણના કારણે અમદાવાદ સ્વચ્છતામાં નંબર વન

AI Image

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરા વ્યવસ્થાપન અને પ્રોસેસિંગમાં હાથ ધરવામાં આવેલી ક્રાંતિકારી પહેલોના પરિણામે, અમદાવાદ શહેરે સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૦૨૫માં ૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ ક્રમનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ શહેરમાં કચરાના સંગ્રહથી માંડીને તેના ૧૦૦% પ્રોસેસિંગની સુવિધાઓ ઊભી કરવાના મક્કમ પ્રયાસોનો પુરાવો છે.

એેએમસી દ્વારા કચરાને માત્ર એકત્ર કરવાને બદલે તેનું મૂલ્યવર્ધન કરી પુનઃઉપયોગ કરવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી, સહકારીતા અને ગૃહ વિભાગ અમિત શાહનાં હસ્તે શુભારંભ કરવામાં આવેલ અમદાવાદ શહેર માટેનો સૌ પ્રથમ એવો દૈનિક ૧૦૦૦ મેટ્રીક ટન કેપેસિટીનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સિમાચિન્હ બનેલ છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી અને સોલિડ વેસ્ટ ડાયરેક્ટર વિજય મિસ્ત્રી ના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પબ્લિક પ્રાયવેટ પાર્ટનરશીપ ધોરણે કાર્યરત કરવામાં આવેલ ૧૫ મેગાવોટ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ થકી આજ દિન સુધીમાં અંદાજે ૨,૦૦,૦૦૦ મેટ્રીક ટન જેટલાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને પ્રોસેસીંગ કરવામાં આવેલ છે.

જેમાંથી ૮૦૬.૮૩ લાખ કેડબ્લ્યુએચ યુનિટ વીજળી ઉત્પન્ન કરી ટોરેન્ટ પાવર ગ્રીડમાં નાગરીકોનાં ઉપયોગ હેતુ સપ્લાય કરવામાં આવ્યો છે. વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ થકી આજ દિન સુધીમાં ૪૮૪.૧ લાખ કિલોગ્રામ કોલસાનો ઉપયોગ થતો અટકાવેલ છે જેનાં થકી ૧.૨૬ લાખ મેટ્રીક ટન જેટલાં કાર્બન ડાયોક્સાઈડને હવામાં ભળતો અટકાવી શકાયો છે.

આ ઉપરાંત દૈનિક ૧૦૦૦ મેટ્રીક ટન જેટલો ઘન કચરો ખુલ્લામાં નહિ રહેવાનાં કારણે અંદાજિત ૭૧૦૪ મેટ્રીક ટન જેટલાં મિથેન ગેસને પણ હવામાં ભળતો અટકાવી ગ્રીન હાઉસ ગેસ એમીશન ઓછું કરવામાં આવેલ છે.

આમ, અમદાવાદ શહેર માટેનો આ પ્લાન્ટ લેટેસ્ટ ટેકનાલોજી ધરાવતો અને સરકારશ્રીનાં પ્રદૂષણ નિયંત્રણોનાં વિવિધ ધારા-ધોરણોની પુર્તતા કરતો હોય પર્યાવરણીય રીતે સુરક્ષિત છે. આ પ્લાન્ટ થકી હાલમાં એકત્ર કરવામાં આવતા કચરાને પ્રોસેસીંગ કરવું વધુ સરળ બનેલ છે અને વીજળી બનાવવાનાં આ પ્લાન્ટ થકી ૨૫૦ થી વધારે સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહેલ છે.

શહેરમાં દૈનિક ધોરણે ઉત્પન્ન થતાં ૧૦૦૦ મેટ્રીક ટન સી એન્ડ ડી વેસ્ટને કલેક્શન કરી ગ્યાસપુર ખાતે પ્રોસેસીંગ કરવા અંગેનો પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં પ્રોસેસ કરીને પેવર બ્લોક, કોંક્રીટ, અને પ્રિકાસ્ટ વોલ જેવી ઉપયોગી વસ્તુઓ બનાવવામાં આવે છે. ગત વર્ષમાં આ પ્રોસેસીંગ પ્લાન્ટમાં ૨,૫૨,૦૦૦ મેટ્રીક ટન

જેટલાં સી એન્ડ ડી વેસ્ટને પ્રોસેસ કરીને ૧૧,૨૫૨ બ્રાસ જેટલાં પેવર બ્લોક્સ, ૨૪,૭૫૦ રનીંગ મીટર પ્રિ-કાસ્ટ વોલ, ૮૯,૦૦૦ નંગ કમ્પ્રેસડ અર્થ બ્લોક, ૧૮,૫૦૦ રનીંગ મીટર કર્બ સ્ટોન, ૭૫૦૦ ક્યૂ. મીટર રેડી મિક્સ કોંક્રીટ, ૧૪,૮૦૦ મેટ્રીક ટન નદીની રેતી, ૫૩૦૦ મેટ્રીક ટન સ્ટોન ડસ્ટ, ૨૦૭૫૦ મેટ્રીક ટન ફાઇન સેન્ડ તેમજ અંદાજિત ૪૧,૭૧૦ મેટ્રીક ટન જેટલો એગ્રીગેટ તેમજ ૬૨,૫૦૦ મેટ્રીક ટન ઈંટના એગ્રીગેટ જેવી ફાયનલ પ્રોડક્ટો પ્રોસેસીંગ કરી બનાવવામાં આવેલ છે. જેનો ઉપયોગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિવિધ વિકાસનાં પ્રોજેકટોમાં કરવામાં આવે છે.

વધુમાં ૧,૦૨,૪૦૦ મેટ્રીક ટન જેટલાં મટીરીયલનો રોડ સબ બેઝ તરીકે ઉપયોગ કરવામાં આવેલ છે અને ઉપરોક્ત ફાયનલ પ્રોડક્ટો પ્રોસેસીંગ કરી બનાવવાનાં લીધે કુદરતી સ્ત્રોતો જેવા કે ૨૯,૫૦૪ મેટ્રીક ટન રેતી અને ૬૧,૪૮૯ મેટ્રીક ટન એગ્રીગેટની એમ કુલ ૧,૯૩,૩૯૩ મેટ્રીક ટન મટીરીયલની બચત કરી શકાયેલ છે.

આ ઉપરાંત આ પ્લાન્ટમાં જ મટીરીયલ બનવાનાં કારણે પરિવહન માટેનાં ૯૫,૭૯૦ લિટર જેટલાં પેટ્રોલીયમ પેદાશની બચત થયેલ છે અને વાતાવરણને પ્રદુષિત કરતાં હાનિકારક વાયુઓ ઉત્પન્ન થતાં અટકાવી શકાયેલ છે. અમદાવાદે સ્વચ્છતાને માત્ર એક લક્ષ્ય નહીં પરંતુ ટકાઉ વિકાસનું માધ્યમ બનાવ્યું છે. જેના પરિણામે શહેરને સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૦૨૫માં ૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં “સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ ક્રમનો ગૌરવપૂર્ણ એવોર્ડ મળ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.