કલેક્ટરે સાયકલ ચલાવીને નગરજનોને ફીટ રહેવા સંદેશ આપ્યો

(પ્રતિનિધિ)નડિયાદ, વડાપ્રધાન ના ફીટ ઈન્ડિયા મિશનને વેગ આપી જનજન સુધી સાકાર કરવાના આશયથી નડિયાદ એસઆરપી-૭ ગ્રાઉન્ડથી ઈપ્કોવાલા હોલ સુધીની દસ કિ.મી.ની સન્ડે ઓન સાયકલ રેલીને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે લીલીઝંડી આપીને પ્રસ્થાન કારાવ્યું હતું.
નડિયાદ શહેરના નાગરિકોમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૭ અને જિલ્લા પોલીસ તેમજ સાયકલપ્રેમી શહેરીજનો દ્વારા ૨૦૦ ઉપરાંત સાયકલીસ્ટો આ એક અનોખી સન્ડે ઓન સાયકલ ઇવેન્ટમાં સહભાગી બન્યા હતા.
આ રેલીમાં કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, એસઆરપી-૭ ના સેનાપતિ અતુલ કુમાર બંસલ અને નાયબ પોલીસ અધિક્ષક વી.આર. બાજપાઈ એ અન્યો સાથે સાયકલ ચલાવીને નગરજનોને ફીટ રેહવા સંદેશ આપ્યો હતો.
તેમજ અન્ય અધિકારીશ્રીઓ કેટલાક ફીટનેસ પ્રેમીઓ સાથે વસો સુધી પણ સાયકલીંગ કર્યુ હતુ ફિટ ઇન્ડિયા અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સ્વાસ્થ્યપૂર્ણ જીવનનો સંદેશો આપતી આ સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં ફીટનેસ પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મેદસ્વીતા સામે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરે આ અવસરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફીટ ઈન્ડિયા મિશન અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનનો સંદેશ કહેવાથી નહિ પણ કરવાથી નગરજનોમાં વધુ અસરકારક બનશે.વડાપ્રધાન ના આૅબેસીટી મુકત ભારત અભિયાન અંતર્ગત આ રેલી મહત્વપૂર્ણ છે. દેશના લોકો આજે મોટા પાયે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફ વળ્યા છે. એસઆરપી-૭ ના સેનાપતિ અતુલ કુમાર બંસલે જણાવ્યું હતુ કે,” ફીટ ઈન્ડિયા મિશન અંતર્ગત સ્વસ્થ ભારત સ્વસ્થ ગુજરાતનો સંદેશ આ રેલી દ્વારા લોકોને મળશે.”
આ ઇવેન્ટમાં મુખ્ય આકર્ષણ તરીકે જિલ્લા પોલીસના બાળકો પણ ઉત્સાહપુર્વક રેલીમાં સહભાગી બન્યા હતા. આ રેલીમાં એસઆરપી-૭ ના જવાનો, પોલીસ જવાનો તેમજ સામાજિક સંસ્થાઓ અને યુવાનો, મહિલાઓ, બાળકો અને ફીટનેસ પ્રેમીઓ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા હતા.