Western Times News

Gujarati News

યુવાન બાઇક સાથે પાણીના પ્રવાહમાં તણાયો: બાઈક મળ્યું પણ યુવકનો કોઈ પત્તો નથી

AI Image

વલસાડ,  વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ફરી એકવાર કોઝવે પર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાની ઘટના બની છે. ધરમપુરના શેરીમાળ ગામે આવેલા કોઝવે પરથી બાઇક લઈને પસાર થઈ રહેલો એક યુવાન પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. ઘટના બાદ તરવૈયા અને NDRF ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં બાઇક મળી આવી છે, પરંતુ યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધરમપુરના આંબાતલાટ ગામના સાગરમાળ ફળિયામાં રહેતો પ્રિતેશ દિનેશભાઈ ગામીત (ઉં.વ. ૨૨) શનિવારે રાત્રે નોકરી પરથી પોતાના મોટરસાયકલ (નં. ય્ત્ન-૧૫-છઈ-૮૫૩૮) પર ઘરે પરત ફરી રહ્યો હતો.

આ દરમિયાન શેરીમાળ ગામમાં કાંગવીને જોડતો કોઝવે પાણીમાં ગરક થયો હોવા છતાં, પ્રિતેશે જીવના જોખમે બાઇક હંકારવાનો પ્રયાસ કર્યો. પરંતુ, પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે બાઇક સહિત પ્રિતેશ પાણીમાં તણાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ લોકો અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક પારડીના ચંદ્રપુરના તરવૈયાઓ અને NDRFની ટીમને બોલાવીને શોધખોળ શરૂ કરવામાં આવી. જોકે, રાત્રીના અંધારાને કારણે કામગીરીમાં વિલંબ થયો હતો. રવિવારે (૨૪ ઓગસ્ટ) સવારે ફરીથી શોધખોળ શરૂ કરાતાં, ટીમને કોઝવેના પાણીમાંથી પ્રિતેશની બાઇક મળી આવી છે. જોકે, પ્રિતેશ હજી પણ લાપત્તા છે અને તેની શોધખોળ ચાલુ છે.

નોંધનીય છે કે, હાલમાં જ પારડીના તરમાલિયા ગામે પણ આવા જ એક નીચાણવાળા કોઝવે પરથી પસાર થઈ રહેલી કાર પાણીમાં તણાઈ ગઈ હતી, જેમાં માતા-પુત્રીના મોત થયા હતા. વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન અનેક નીચાણવાળા કોઝવે પાણીમાં ગરક થઈ જવાથી આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. આ ઘટનાઓને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ સરકાર તથા તંત્ર પાસેથી આવા જોખમી કોઝવે પર ઊંચા પુલ બનાવવાની માગ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.