Western Times News

Gujarati News

બેંકમાંથી પ્રથમ વખત લોન મેળવવા માટે સીબીલ સ્કોર ફરજિયાત નથીઃ સરકાર

નવી દિલ્હી, લોકસભાના ચોમાસુ સત્ર દરમિયાન ગત સપ્તાહે કેન્દ્ર સરકાર દ્વારા લોન ઈચ્છુકો માટે મહત્ત્વની સ્પષ્ટતા કરવામાં આવી હતી. ક્રેડિટ સ્કોર શૂન્ય હોય તો પણ અરજદારની લોન મંજૂર કરવા માટે નાણા મંત્રાલયે બેન્કોને સૂચના આપી હતી. આ સાથે સરકાર દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી કે, પ્રથમ વખત બેંક લોન લેવા માગતા લોકો માટે લઘુતમ સીબીલ સ્કોરની મર્યાદા જરૂરી નથી.

નાણા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૬ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ માસ્ટર ડાયરેક્શન જાહેર કર્યા હતા. જેમાં જણાવ્યા મુજબ, પ્રથમ વખત લોન લઈ રહેલા અરજદારોની કોઈ ક્રેડિટ હિસ્ટ્રી ન હોવાનું કારણ દર્શાવીને તેમની અરજી નકારી શકાય નહીં.

મંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, લોનની અરજીઓ માટે રિઝર્વ બેંક દ્વારા લઘુતમ ક્રેડિટ સ્કોરનું સૂચન કરાયેલું નથી. મુક્ત ઋણ બજારના વર્તમાન માહોલમાં દેણદાર સંસ્થાઓ પોતાની જરૂરિયાત અને પોલિસીના આદારે નિર્ણય લેવા સ્વતંત્ર છે.

જો કે તેમાં રિઝર્વ બેંક જેવી નિયમનકારી સંસ્થાઓની ગાઈડલાઈન્સનું પાલન થવું જોઈએ. લોન અંગે નિર્ણય લેવાના અન્ય પરિબળોની સાથે ક્રેડિટ ઈન્ફોર્મેશન રિપોર્ટની પણ ચકાસણી થવી જોઈએ. ક્રેડિટ ઈન્ફોર્મેશન બ્યુરો લિમિટેડ દ્વારા ક્રેડિટ સ્કોર નક્કી કરવામાં આવે છે. આ સ્કોર ૩૦૦થી માંડી ૯૦૦ સુધીનો હોય છે અને તેનો નિર્ણય વ્યક્તિના નાણાકીય વ્યવહારોના આધારે લેવાય છે.

પ્રથમ વખત લોન લેવા માગતા લોકો માટે સીબીલ ફરજિયાત નથી, પરંતુ આ પ્રકારના કેસમાં બેંકોને વિવેક બુદ્ધિ તથા અરજદારનો ઈતિહાસ ચકાસવાની સલાહ નાણા મંત્રાલયે આપી છે. વ્યક્તિના ઈતિહાસમાં તેની ક્રેડિટ હિસ્ટ્રી, જૂના ચૂકવણાની વિગતો, વિલંબિત ચૂકવણાની વિગતો, માંડવાળની માહિતી તથા વર્તણૂકના ઈતિહાસનો સમાવેશ થાય છે.

સરકારે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, ર્કેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓ ક્રેડિટ રિપોર્ટ પૂરા પાડવા માટે કોઈ વ્યક્તિ પાસેથી મહ¥મ રૂ.૧૦૦નો ચાર્જ લઈ શકે છે. વધુમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને ક્રેડિટ હિસ્ટ્રી ધરાવતા લોકોને વર્ષમાં એક વાર નિશુલ્ક સીબીલ રિપોર્ટ આપવા સૂચના અપાઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.