જૂનાગઢના માલિડા ગામે અંતિમ વીડિયો બનાવી યુવકનો આપઘાત

જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના માલીડા ગામમાં એક કરુણ ઘટના બની છે, જ્યાં ૩૫ વર્ષીય જયેશ હંસરાજભાઈ પંચાસરાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
આપઘાત કરતાં પહેલાં યુવકે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે પોતાની પત્ની અને સાસરિયાં પર ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ કર્યાે છે.મૃતક યુવકના ભાઈ, દીપક પંચાસરાએ ભેસાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદના આધારે પોલીસે જયેશની પત્ની શીલુબેન શંભુભાઈ જરવરીયા, સાળો નરેશ શંભુભાઈ જરવરીયા, અને સાસુ કંચનબેન શંભુભાઈ જરવરીયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યાે છે.
હાલ, ત્રણેય આરોપીઓ પોલીસની પકડથી દૂર છે.જયેશ પંચાસરાએ આપઘાત પૂર્વે બનાવેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, ‘હું છેલ્લા ચાર વર્ષથી પત્ની, સાળા અને સાસુના ત્રાસથી ખૂબ હેરાન છું. તેઓ મને મારી દીકરીને મળવા દેતા નથી કે દીકરીને મારી પાસે આવવા દેતા નથી. જ્યારે પણ મારી દીકરી ફોન કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેઓ તેને અટકાવે છે.
જ્યારે હું દીકરીને મળવા જાઉં છું, ત્યારે આ લોકો મને મારવા દોડે છે. આ ત્રાસથી કંટાળીને આજે હું આત્મહત્યા કરી રહ્યો છું.’પોલીસે જણાવ્યું કે આરોપીઓ જયેશ પંચાસરાને વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, જેના કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું. ભેસાણ પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS