સુરતમાં લિફ્ટના દરવાજા-ફ્લોર વચ્ચે માથું છૂંદાતાં મહિલાનું મોત

સુરત, સુરત શહેરમાં ઉધના ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં રવિવારે કરૂણ ઘટના સર્જાઇ હતી. જરી બનાવવાના કારખાનામાં લિફ્ટના દરવાજા અને ફ્લોર વચ્ચે માથું છૂંદાતા ૪૨ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની વિરેન્દ્ર પ્રસાદ તેમના પત્ની, એક પુત્ર અને એક પુત્રી સાથે ડિંડોલીમાં રહે છે.
તેઓ ડાઈંગ પ્રિન્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની પત્ની ૪૨ વર્ષીય પિંકીકુમારી છેલ્લા સાત મહિનાથી ઉધના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ચાર માળની જરીની ફેક્ટરીમાં કામ કરતા હતા.
રવિવારે તેણી ગ્રાઉન્ડ ફ્લોર પરથી લિફ્ટનો ઉપયોગ કરીને ઉપરના માળે જઈ રહી હતી, તે સમયે અચાનક તેમની સાડીનો છેડો લિફ્ટમાં ફસાઈ ગયો હતો.
લિફ્ટ સાથે ખેંચાઈ જતા માથું લિફ્ટના દરવાજા અને ફ્લોર વચ્ચે દબાઈ ગયું હતું, તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ભયાનક ઘટનાની જાણ થતાં જ ફેક્ટરીના અન્ય કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉધના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ બનાવથી પરિવારજનોમાં ભારે રોકકડ મચી ગઇ હતી.આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક સલામતીના મુદ્દાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ફેક્ટરીમાં શ્રમિકોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા હતા કે કેમ? તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે, તેવું પોલીસનું કહેવું છે.SS1MS