Western Times News

Gujarati News

અમદાવાદમાં અવાર નવાર કરર્ફ્યુ લાગેલો રહેતો, આજે દેશનું સૌથી સુરક્ષિત શહેરઃ મોદી

દિવાળીમાં દેશવાસીઓને સરકાર આપશે બોનસ-સ્વદેશી વસ્તુઓ જ ખરીદવા મોદીની અપીલ 

વાર તહેવારે અમદાવાદની ધરતી રક્ત રંજીત થઇ જતી, આ અમારૂ લોહી વહાવતા હતા. દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર કંઇ કરતી નહતી.

(પ્રતિનિધિ) અમદાવાદ, ઓપરેશન સિંદૂરની સફળતા પછી ગુજરાત પધારેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિકોલમાં રોડ શો યોજ્યા પછી વિશાળ સભાને સંબોધતા ભારત આત્મનિર્ભર બને તે માટે દેશવાસીઓને આહ્‌વાન કરતા આગ્રહ સાથે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં દિવાળી પર્વના તહેવારો આવી રહયા છે ત્યારે જે કોઈપણ વસ્તુ ખરીદીએ તે મેડ ઈન ઈન્ડિયા હોવી જોઈએ.

આ તમામ વસ્તુઓ સ્વદેશી હોય તે ખુબ જ જરૂરી છે. કોઈ સામાન ખરીદો કે પછી કોઈને ગીફટ આપવા માટે વસ્તુ ખરીદો પરંતુ તે ભારતમાં બનેલી અને ભારતના લોકો દ્વારા બનાવવામાં આવેલી હોવી જોઈએ. આ તબક્કે તેમણે વહેપારીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે દેશને આગળ લઈ જવામાં તેઓ પોતાનું યોગદાન આપે અને સ્વદેશી ચીજવસ્તુઓનું જ વેચાણ કરીશું તેવો પ્રણ લે અને ગર્વથી કહે કે અમારે ત્યાં સ્વદેશી ચીજવસ્તુઓનું જ વેચાણ થાય છે.

આગામી દિવસોમાં દિવાળી પહેલા તેમણે દેશવાસીઓને મોટી ભેટ- સોગાદ માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. જીએસટીમાં રિફોર્મ કરી રહયા છીએ ત્યારે આ વખતે દિવાળી પર વહેપારીઓ અને પરિવારજનોને ખુશીઓનું ડબલ બોનસ આપવાના છીએ.

મોદીએ નિકોલમાં જનસભાને સંબોધતા ઓપરેશન સિંદૂરથી લઇને સ્પેસ સ્ટેશન સુધીની વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણી સેનાએ પાકિસ્તાનની અંદર ઘુસીને માત્ર ૨૨ મિનિટમાં જ બધુ સફાચટ કરી ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામ હુમલાનો બદલો લઇ લીધો હતો.

દેશભરમાં ગણેશોત્સવનો અદભુત ઉત્સાહ છે. ગણપતિ બાપાના આશીર્વાદથી આજે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓનો પણ શ્રીગણેશ થયો છે. મારૂ સૌભાગ્ય છે કે આજે મને વિકાસના અનેક પ્રોજેક્ટ જનતા જનાર્દનના ચરણોમાં સમર્પિત કરવાનો, તમને સોપવાનું સૌભાગ્ય મળ્યું છે.

ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. દેશમાં પણ વાદળ ફાટવાની ઘટનાઓ ઘટી રહી છે અને જ્યારે ટીવી પર વિનાશ લીલા જોઇએ છીએ ત્યારે પોતાને સંભાળવા મુશ્કેલ બની જાય છે. હું તમામ પ્રભાવિત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂં છું. પ્રકૃતિનો આ પ્રકોપ માનવજાત માટે, વિશ્વ માટે દેશ માટે પડકાર બન્યો છે. કેન્દ્ર સરકાર તમામ રાજ્ય સરકાર સાથે મળીને રાહત અને બચાવના કામમાં જોડાયેલી છે.

ગુજરાતની આ ધરતી બે મોહનની ધરતી છે. એક સુદર્શન ચક્ર ધારી મોહન એટલે કે આપણા દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને બીજા ચરખાધારી મોહન એટલે કે સાબરમતીના સંત પૂજ્ય બાપુ. ભારત આજે આ બન્નેના બતાવેલા રસ્તા પર ચાલીને નિરંતર સશક્ત થયું છે. સુદર્શન ચક્રધારી મોહને આપણને શીખવાડ્‌યું છે કે દેશની,સમાજની રક્ષા કેવી રીતે કરાય, તેમણે સુદર્શન ચક્રને ન્યાય અને સુરક્ષાનું કવચ બનાવડાવ્યું છે જે દુશ્મનને પાતાળમાં પણ શોધીને સજા આપે છે. આ જ ભાવ આજે ભારતના નિર્ણયમાં પણ દેશ અનુભવ કરી રહ્યો છે, દેશ જ નહીં દુનિયા અનુભવ કરી રહી છે.

જ્યારે હુલ્લડબાજો પતંગ ચગાવવા જેવી લાઇનમાં ઢાળી દે, કરફ્યુમાં જીવન ગુજારવું પડે, વાર તહેવારે અમદાવાદની ધરતી રક્ત રંજીત થઇ જતી, આ અમારૂ લોહી વહાવતા હતા. દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર કંઇ કરતી નહતી. આજે આતંકવાદી અને તેમના આકાઓને અમે છોડતા નથી પછી તે ક્યાંય પણ છુપાયા હોય, દુનિયાએ જોયું છે પહેલગામનો બદલો ભારતે કેવી રીતે લીધો.

૨૨ મિનિટમાં આ બધુ સફાચટ કરી નાખ્યું. સેકડો કિલોમીટર અંદર જઇને નક્કી કરેલા નિશાન પર વાર કરીને આતંકવાદની નાભી પર હુમલો કર્યો. ઓપરેશન સિંદૂર આપણી સેનાનું શૌર્ય અને સુદર્શન ચક્રધારી મોહનના ભારતની ઇચ્છાશક્તિનું પ્રતિક બની ગયું છે. ચરખાધારી મોહન આપણા પૂજ્ય બાપુએ ભારતની સમૃદ્ધિનો રસ્તો સ્વદેશીમાં બતાવ્યું હતું.

આજે આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાતમાંથી ઊર્જા મળી રહી છે અને તેની પાછળ બે દાયકાની મહેનત છે. આજના નવ યુવાન પેઢીએ તે દિવસ જોયો નથી જ્યારે અહીં અવાર નવાર કરર્ફ્યુ લાગેલો હતો, વેપાર કરવો મુશ્કેલ હતો. આજે દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંથી એક છે. ગુજરાતમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ આપણે ચારે તરફ જોઇ રહ્યા છીએ. આખુ ગુજરાત આ જોઇને ગર્વ કરે છે કે કેવી રીતે આપણું રાજ્ય મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે.

વડાપ્રધાન મોદીએ સાબરમતી આશ્રમને લઇને કહ્યુ કે, હું તે સમયે સાબરમતી આશ્રમનું કામ કરવા માંગતો હતો પણ કેન્દ્ર સરકાર તે સમયે અમારા અનુકૂળ નહતું. તે ગાંધીજીના અનુકૂળ પણ નહતી અને તેને કારણે હું તે કામને ક્યારેય આગળ વધારી ના શક્યો. જ્યારથી તમે મને દિલ્હી મોકલ્યો છે જેમ સ્ટેચ્યુ ઓફ યૂનિટી સરદાર પટેલનું ભવ્ય સ્મારક દેશ અને દુનિયા માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે,સાબરમતી આશ્રમનું નવીનીકરણનું કામ પૂર્ણ થશે ત્યારે દુનિયા માટે શાંતિની પ્રેરણાભૂમિ સાબરમતી આશ્રમ બનશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાથી આપણે વીજબિલ ઝીરો કરી રહ્યાં છીએ. ગુજરાતમાં છ લાખ પરિવાર જોડાઇ ચુક્યા છે. ગુજરાતમાં ૩ હજાર કરોડ કરતા વધુ આપવામાં આવ્યા છે. તેમને દર મહિને વીજળી બિલમાં બચત થઇ રહી છે. મને ખુશી છે કે આજે સ્વચ્છતા મામલે અમદાવાદ દેશમાં નામ કમાઇ રહ્યું છે. આ દરેક અમદાવાદીના સહયોગથી સંભવ થઇ શક્યું છે. આ સ્વચ્છતાનું અભિયાન એક દિવસનું નથી આ પેઢી દર પેઢી રોજે રોજ કરવાનું કામ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.