સાબરમતી નદીના નીચાણવાળા વિસ્તારો વટવા, દસ્ક્રોઈ, અને ધોળકાના લોકોને સાવધ રહેવા એલર્ટ કરાયા

અમદાવાદના વાસણા બેરેજનાં દરવાજા ખોલવામાં આવ્યા
વાસણા બેરેજના ગેટ નંબર 3 થી 29 (કુલ 27 ગેટ) ખોલી સાબરમતી નદીમાં હાલ 94056 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે, હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે. સંભવિત અસરગ્રસ્ત શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે
(એજન્સી)ગાંધીનગર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. આ પાણીની અસર અમદાવાદને પણ થઈ છે.અમદાવાદના વાસણા બેરેજનાં ૨૫ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને કારણે નદીના નીચાણવાળા વિસ્તારો વટવા, વેજલપુર, દસ્ક્રોઈ, અને ધોળકાના લોકોને સાવધ રહેવા એલર્ટ કરાયા છે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વાસણા બેરેજના કુલ ૨૫ દરવાજા ખોલીને સાબરમતી નદીમાં હાલ ૫૧,૧૨૬ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વધુ પાણી છોડવાની શક્યતા છે, તેથી લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
રાજસ્થાન સહિત ધરોઈ ડેમના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડેમમાં ૨૭,૨૧૦ ક્યુસેક પાણીની આવક સામે ૬૪,૦૦૦ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે. હાલ ધરોઈ ડેમમાં તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૮૬ ટકાથી વધુ પાણી છે. ૧ સપ્ટેમ્બર પહેલા નિયમ સ્તર જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે.
ધરોઈનો નિયમ સ્તર ૧૮૮.૬૭ મીટર છે, જ્યારે તેની પૂર્ણ જળ સપાટી ૧૮૯.૫૯ મીટર છે. ધરોઈ ગુજરાતનો ચોથો સૌથી મોટો ડેમ છે, જે સરદાર સરોવર નર્મદા, ઉકાઈ અને કડાણા ડેમ પછી આવે છે. તેની કુલ સંગ્રહ ક્ષમતા ૮૧૩.૧૩ એમસીએમ છે.
આજે સવારે ૧ વાગ્યા સુધીમાં ગુજરાતના અન્ય મહત્વના ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે, જેમાં વણાકબોરીમાંથી ૪૬,૦૦૦ ક્યુસેક, કડાણામાંથી ૫૯,૦૦૦ ક્યુસેક, કરજણમાંથી ૩૨,૦૦૦ ક્યુસેક, સરદાર સરોવરમાંથી ૪૫૯૦૦ ક્યુસેક અને ઉકાઈ ડેમમાંથી ૨૨,૦૦૦ ક્યુસેકથી વધુ પાણીનો સમાવેશ થાય છે.