Western Times News

Gujarati News

ભરૂચ મુસ્લિમ સમાજે અમદાવાદની શાળામાં બનેલ ઘટનાને વખોડીઃ કલેક્ટરને આવેદનપત્ર

આચાર્ય-શિક્ષકો સામે કડક કાર્યવાહીની માંગ

(પ્રતિનિધિ) ભરૂચ, ભાવનગરની એક શાળામાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને બુર્કા પહેરાવી આતંકવાદી તરીકે દર્શાવવાના મુદ્દે ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજે ભારે વિરોધ નોંધાવ્યો છે.

સોમવારના રોજ મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આવેદનપત્ર સુપરત કરી આ ઘટનાને વખોડી હતી. આ સાથે જ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં પણ યોગ્ય કાર્યવાહીની માગણી કરી હતી.

આવેદનપત્રમાં મુસ્લિમ સમાજે જણાવ્યું હતું કે.ભાવનગરની કુંભારવાડા શાળામાં ૭૯મા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન એક નાટકમાં વિદ્યાર્થિનીઓને બુરખા પહેરાવીને મશીનગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર મુસ્લિમ સમાજમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે.

ભરૂચ મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યો છે કે આચાર્ય અને શિક્ષકોએ જાણીજોઈને મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાની કોશિશ કરી છે.આ નાટકથી સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. સમાજે સરકાર અને પોલીસ તંત્રને આ શાળાના આચાર્ય અને સંકળાયેલા શિક્ષકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ આવેદનપત્રમાં અમદાવાદની મણિનગર નજીક આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સંતાણીના મૃત્યુની ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમાજમાં ફેલાયેલા આક્રોશને ધ્યાનમાં રાખીને, ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજે ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસને આ કેસમાં કડક પગલાં ભરવાની માંગણી કરી છે.

તેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે મૃત વિદ્યાર્થીને ન્યાય મળે અને હત્યા કરનાર આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. ?આ ઉપરાંત, મુસ્લિમ આગેવાનોએ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ ભાર મૂક્યો હતો. તેઓએ માંગ કરી છે કે શૈક્ષણિક તંત્ર એક સખત માર્ગદર્શિકા અમલમાં મૂકે જેથી કોઈ પણ વિદ્યાર્થી શાળાઓમાં ગેરકાયદેસર હથિયાર કે તિક્ષ્ણ વસ્તુઓ ન લઈ જઈ શકે.

આ સંદર્ભે, તાજેતરમાં બાલાશિનોરની એક શાળામાં બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, જ્યાં ધોરણ-૮ના એક વિદ્યાર્થીએ પોતાના સહપાઠી પર ચાકુથી હુમલો કર્યો હતો.આવા બનાવો ફરી ન બને તે માટે તંત્ર સજાગ રહે તેવી પણ સમાજ તરફથી માંગ કરવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.