પીએચડી થઈ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું-જંબુસરની વૈશાલી ખારવાએ

બંદરોનાં વિકાસની સ્થાનિક સમુદાયો પરની અસરો વિષય પર
(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસરના વૈશાલી જીવણભાઈ ખારવાએ પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરી જંબુસર તાલુકાનું નામ રોશન કર્યું મૂળ વતન કાવીના જીવણભાઈ ખારવાની દીકરી હાલ રહે.જંબુસર ડો.વૈશાલી જીવણભાઈ ખારવા જેઓએ તેમના પીએચ.ડી. સંશોધન દ્વારા બંદરોનાં વિકાસની સ્થાનિક સમુદાયો પરની અસરો પર પ્રકાશ પાડ્યો છે.
ડૉ.વૈશાલી જીવનભાઈ ખારવાએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.સુરતના અર્થશાસ્ત્ર વિભાગ માંથી ડૉ.યોગેશ એન.વોસિયાના માર્ગદર્શન હેઠળ “બંદરોના વિકાસની ખેડૂતો,માછીમારો અને ઔદ્યોગિક કામદારો પરની અસરોઃ દક્ષિણ ગુજરાતના હજીરા અને દહેજ બંદરના સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ” વિષય પર પીએચ.ડી. પૂર્ણ કરી છે.આ સંશોધનનો મુખ્ય હેતુ હજીરા અને દહેજ બંદરોનાં ખાનગીકરણ અને ઔદ્યોગિકીકરણને કારણે ખેડૂતો, માછીમારો અને ઔદ્યોગિક કામદારોના જીવન પર થતી સકારાત્મક અને નકારાત્મક અસરોનો અભ્યાસ કરવાનો હતો.
મુખ્ય તારણો અને ભલામણો તેમણે ક્ષેત્રકાર્ય દ્વારા એકત્રિત કરેલી માહિતીનું વિસ્તૃત વિશ્લેષણ કરીને વિવિધ ભલામણો કરી છે, જે નીચે મુજબ છેઃ
ખેડૂતો માટેઃ જમીન સંપાદન માટે વાજબી અને પારદર્શક વળતર મળવું જોઈએ.કૃષિ-વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવું જોઈએ, જેમાં બાગાયત અને ઓર્ગેનિક ખેતીનો સમાવેશ થાય.
માછીમારો માટેઃ.દરિયાઈ આજીવિકા માટે વળતર માળખું અને વૈકલ્પિક રોજગાર તાલીમ પૂરી પાડવી. માછલી લોજિસ્ટિક્સ અને વીમા યોજનાઓ શરૂ કરવી.
ઔદ્યોગિક કામદારો માટેઃ કૌશલ્ય વિકાસ કેન્દ્રોની સ્થાપના કરવી,ઔપચારિક રોજગાર કરાર અને સામાજિક સુરક્ષા પૂરી પાડવી,કામદારો માટે આરોગ્ય અને સલામતી વ્યવસ્થાઓનો અમલ કરવો.કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત આવાસ,ગેસ અને સ્વચ્છતા જેવી સુવિધાઓ પૂરી પાડવી,પ્રદૂષણ ઘટાડવા માટે ગ્રીન બફર ઝોન બનાવવો,”પ્રદૂષક ચૂકવે” સિદ્ધાંતનો કડક અમલ કરવો.
ડૉ.વૈશાલીનું સંશોધન એ વાત પર ભાર મૂકે છે કે બંદર આધારિત વિકાસ માત્ર ઉદ્યોગોને જ નહીં, પરંતુ સ્થાનિક સમુદાયોને પણ સમાન રીતે લાભદાયી થવો જોઈએ. આ અભ્યાસ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના વિકાસ અને સ્થાનિક લોકો પર તેની અસરને સમજવામાં એક મહત્વપૂર્ણ યોગદાન છે.
ડોક્ટર વૈશાલીબેન ખારવા એ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચડી નો અભ્યાસ પૂર્ણ થતા કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ તથા શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ડોક્ટર વૈશાલી ખારવાએ પીએચડી નો અભ્યાસ પૂર્ણ કરતા કાવી ગામ તેમજ જંબુસર તાલુકા અને સમાજનું નામ રોશન કર્યું હતું.