કમાણી માટે અન્યોની મજાક ઉડાવી શકાય નહીં, માફી માગોઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કોમેડિયન સમય રૈના અને અન્ય હાસ્ય કલાકારોને દિવ્યાંગ વ્યક્તિઓની મજાક ઉડાવતા જોક્સ કહેવા પર આકરી ફટકાર લગાવી છે.
સુપ્રીમ કોર્ટે કોમેડિયનો અને સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સને આકરા શબ્દોમાં ચેતવણી આપીને કહ્યું કે કોઈ પણ કમાણી કરવાના હેતુથી કોઈની પણ મજાક ઉડાવવાની આઝાદી આપી શકાય નહીં અન મજાક ઉડાવનારાઓને અભિવ્યક્તિની આઝાદી અંતર્ગત સુરક્ષા આપી શકાય નહીં.આ સાથે સુપ્રીમ કોર્ટે સખત શબ્દોમાં કહ્યું કે જ્યારે તમે તમારા ભાષણનું વ્યવસાયીકરણ કરી રહ્યા છો, તો તમે તેના દ્વારા કોઈ સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડી શકો નહીં.
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે ક્યોર એસએમએ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાની અરજી પર સુનાવણી કરી હતી. આ ફાઉન્ડેશન સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડિત દર્દીઓ અને પરિવારોને મદદ કરે છે. આ અરજીમાં દિવ્યાંગ વ્યક્તિઓની મજાક ઉડાવતા જોક્સને લઈને કોર્ટનું ધ્યાન દોર્યું હતું.
સુપ્રીમ કોર્ટે જે હાસ્ય કલાકારો(કોમેડિયનો)ની ટીકા કરી છે, એમાં સમય રૈના, વિપુન ગોયલ, બલરાજ પરમજીત સિંહ ઘઇ, સોનાલી ઠક્કર અને નિશાંત જગદીશ તંવર સામેલ છે.
આ સાથે કોર્ટે કેન્દ્ર સરકારને પણ કહ્યું કે સોશિયલ મીડિયા દિવ્યાંગો, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની મજાક ઉડાડવામાં આવે છે અને તેમને નીચા દેખાડવામાં આવે છે તેવા નિવેદનો અને કન્ટેન્ટ પર રોક લગાવવા માટે સ્પષ્ટ ગાઇડલાઈન્સ બનાવવામાં આવે. જેમાં સોશ્યલ મીડિયા માટે નિયમ બનાવતા સમયે ઉતાવળમાં કોઈ પગલું ભરવું જોઈએ નહીં, તમામ પક્ષોના અભિપ્રાય લઈને વ્યાપક માળખું તૈયાર કરવું જોઈએ.
અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ એવા કોમર્શિયલ કન્ટેન્ટ પર લાગુ થઈ શકતો નથી, જેનાથી કોઈ સમુદાયની લાગણી દુભાઈ હોય.આ અરજીમાં ફાઉન્ડેશને આક્ષેપ કર્યાે હતો કે આ હાસ્ય કલાકારોએ પોતાના શોમાં દિવ્યાંગો અને દુર્લભ બીમારીઓની મજાક ઉડાવી છે, જેનાથી દર્દીઓની લાગણી દુભાઈ છે.
આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે દિવ્યાંગો અને દુર્લભ બીમારીઓથી પીડિત વ્યક્તિની મજાક ઉડાવવાનાર અને અસંવેદનશીલ જોક્સ સંભાળવવા બદલ હાસ્ય કલાકારોને માફી માંગવાનો આદેશ કર્યાે છે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે દરેક વ્યક્તિની ગરિમાની સુરક્ષા કરવા જોઈએ. આ અરજીને ઈન્ડિયા ગોટ લેટેન્ટ શોના વિવાદથી જોડાયેલા મામલા સાથે જોડી દેવામાં આવે, જેમાં ટ્યુબર રણવીર અલાહાબાદિયા પર આક્ષેપ લાગ્યા હતા.
ફાઉન્ડેશન તરફથી કોર્ટમાં રજૂ થયેલા વકીલ અપરાજિતા સિંહે કહ્યું કે, સદ્ધબુદ્ધિની જીત થઈ છે અને તમામ હાસ્ય કલાકારોએ માફી માંગી લીધ છે. જોકે, કોર્ટે કહ્યું કે આ કલાકારો પોતાની ચેનલ પર માફીનામું પ્રસારિત કરે.SS1MS