Western Times News

Gujarati News

ધરોઈ ડેમમાંથી દર મિનિટે ૧૮.૨૨ કરોડ લિટર પાણી સાબરમતીમાં છોડાયું

ગાંધીનગર, રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે ધરોઇ ડેમમાં પાણીની ભરપૂર આવક થતા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. સોમવારે પાણીની જંગી આવક થતા ડેમના ૮ દરવાજા ૧૦ ફૂટ સુધી ખોલીને નદીમાં ૧,૦૭,૨૪૮ ક્યુસેક એટલે કે દર સેકન્ડે ૩૦.૩૭ લાખ લિટર અને દર મિનિટે ૧૮.૨૨ કરોડ લિટર પાણી સાબરમતી નદીમાં છોડાયું હતું.

જેના કારણે સાબરમતી નદી ભરપૂર પાણી સાથે બન્ને કાંઠે વહેતી થતા કાંઠા વિસ્તારના અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરાયા હતા. તેની અસર અમદાવાદ સુધી જોવા મફ્રી હતી અને સાબરમતી નદીમાં રિવરફ્રન્ટ ઉપર વોક-વે સુધી પાણી ફરી વળતા વોક-વે બંધ કરી દેવાયો હતો. વાસણા બેરેજના ૨૫ દરવાજા છ ફૂટ સુધી ખોલી નાખી ૩૦ હજાર ક્યુસેક પાણી છોડવાનું મોડી સાંજે શરૂ કરાયું હતું.

છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ સાર્વત્રિક મેઘ મહેર કરતા સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના જળાશયોમાં પણ પાણીની ભારે આવક થતા કુલ ૧૪૨ ડેમને હાઇ એલર્ટ, એલર્ટ અને વો‹નગની કેટેગરીમાં મૂકાયા હતા. ઉત્તર ગુજરાતના ધરોઇ અને હરણાવ ડેમ સહિતના જળાશયોમાંથી પાણી છોડવામાં આવતા નિચાણવાળા વિસ્તારોના નાગરિકોને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા ચેતવણી અપાઈ હતી. સતત વરસાદના કારણે રાજ્યનો સિઝનનો કુલ સરેરાશ વરસાદ ૮૫ ટકાથી વધુ થવા પામ્યો છે.

સોમવારે સવારથી મોડી સાંજ સુધી કુલ ૧૪૩ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ થવા પામ્યો હતો. સપ્તાહના પ્રારંભે મુખ્યત્વે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થયો હતો. ઉત્તર ગુજરાતમાં વિજયનગર, દાંતા, વડાલી, મોડાસા, ખેડબ્રહ્મા, પોશીના, ખેરાલુ, હિંમતનગર સહિતના તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો હતો.

ખેરગામમાં મહત્તમ ૨.૮૩ ઇંચ જેટલો વરસાદ થયો હતો. તે ઉપરાંત બાલાસિનોર, વલસાડ, કપડવંજ, વડોદરા, ડાંગ-આહવા વિગેરે તાલુકામાં પણ મેઘરાજાની મહેર રહી હતી.

સાબરમતી સહિતની નદીઓ બે કાંઠે ભરપૂર જળસભર થઇ હતી. રાજ્યમાં કુલ ૯૬ ડેમ હાઇ એલર્ટ પર, ૨૬ ડેમ એલર્ટ પર અને ૨૦ ડેમ વો‹નગની કેટેગરીમાં મૂકવાની તંત્રને ફરજ પડી હતી.

૭૦ ડેમ સો ટકા ભરાઇ જવા પામ્યા હતા. તો ૭૨ ડેમ ૭૦થી ૯૯ ટકા અને ૨૫ ડેમ ૫૦થી ૬૯ ટકા સુધી ભરાયા હતા. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ૮૫.૨૭ ટકા જેટલો જળ સંગ્રહ થયો હતો જ્યારે અન્ય ૨૦૬ જળાશયોમાં ૭૮.૫૦ ટકા જેટલો સરેરાશ સંગ્રહ થયો હતો. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ વરસાદ ૮૫ ટકાથી વધુ થયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.