Western Times News

Gujarati News

ટેસ્ટ ક્રિકેટ પડકારજનક રમત છે, સાતત્ય જરૂરીઃ રોહિત

મુંબઈ, ટેસ્ટ ક્રિકેટનું ફોર્મેટ “પડકારજનક અને કંટાળાજનક” બંને છે પરંતુ તેણે તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરીને તેની માંગણીઓનો સામનો કરવાનું શીખી લીધું છે.

તેમ વર્ષની શરૂઆતમાં પોતાની ટેસ્ટ કારકિર્દીના કેટલાક પાસાઓ પર વિચાર કરતા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની રોહિત શર્માએ સોમવારે જણાવ્યું હતું.

૩૭ ટેસ્ટમાં ૪૩૦૧ રન ફટકારનારા ૩૮ વર્ષીય રોહિત શર્માએ ટી૨૦ ઇન્ટરનેશનલ્સમાંથી નિવૃત્તિ લીધા બાદ આ જ વર્ષે મે મહિનામાં ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી હતી. તેની આગેવાનીમાં ભારતને ટી૨૦ ફોર્મેટમાં વર્લ્ડ કપનો ખિતાબ મળ્યો હતો.એક ઇવેન્ટ દરમિયાન રોહિતે પોતાની કારકિર્દીના કેટલાક પાસાઓને યાદ કર્યા હતા.

તેણે મેગા ઇવેન્ટ માટેની તૈયારીઓ વિશે વાત કરી હતી. રોહિતે જણાવ્યું હતું કે તમારે આ માટે સજ્જ રહેવું જોઇએ કેમ કે આ રમત લાંબા સમયની તૈયારી માગી લે છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં તમારે પાંચ દિવસ ટકી રહેવાનું હોય છે.

માનસિક રીતે આ બાબત પડકારજનક છે અને તે તમને નીચોવી નાખે છે. પરંતુ તમામ ક્રિકેટર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ માટે જ તૈયાર કરવામાં આવતો હોય છે.

જ્યારે મેં કારકિર્દીની શરૂઆત કરી અને મુંબઈ માટે ક્લબ ક્રિકેટમાં પણ રમતો હતો ત્યારે મેચો બે દિવસની રહેતી હતી. આમ અમે એ ધ્યાનમાં રાખીને જ ઘડાયા છીએ આ બાબત તમને મેચની પરિસ્થિતિમાં કેવી રીતે રમત દાખવવી તે શીખવે છે તેમ રોહિતે ઉમેર્યું હતું.તેણે ઉમેર્યું હતું કે કારકિર્દીના પ્રારંભે તમામ ક્રિકેટર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના મહત્વને સમજી શકતા નથી પરંતુ તેઓ ધીમે ધીમે તે શીખી જાય છે.

તમે આગળ વધો અને વયજૂથના ક્રિકેટ અને ત્યાર બાદ સિનિયર પ્લેયર અને કોચ સાથે સંકળાઓ ત્યાર બાદ તમે ધીમે ધીમે તેનું મહત્વ સમજતા થઈ જાઓ છો અને એ રીતે પરિપક્વ બનતા જાઓ છો.તમે યુવાન હોવ છો ત્યારે તૈયારીનું મહત્વ જાણતા નથી અથવા તો સમજતા હોતા નથી પરંતુ આગળ વધો, ઉંમરમાં ફરક પડે ત્યાર બાદ સમજી જાઓ છો કે તમારે શું કરવાનું છે અને કેવી રીતે તૈયારી કરવાની છે તેમ ભારતના આ સફળ સુકાનીએ ઉમેર્યુ હતું.

તેણે વધુમાં જણાવ્યું હતું કે તમે ટેસ્ટ ફોર્મેટમાં રમો ત્યારે તમારી પાસેથી ઘણી અપેક્ષા રખાતી હોય ચે અને ખાસ કરીને સાતત્ય દાખવવું સૌથી મહત્વની બાબત છે. તમારે ઉંચા દરજ્જાનું પ્રદર્શન કરવાનું હોય છે અને તમારી પાસેથી એવી જ અપેક્ષા રખાતી હોય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.