Western Times News

Gujarati News

યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી

માણસા, માણસા શહેરમાં હેર કટિંગ સલૂન ચલાવતા વ્યક્તિએ તેમના પરિવાર અને ત્રણ મિત્રો સાથે યુરોપ ટુર પર જવાનું આયોજન કર્યું હતું અને તે વખતે આ સલૂન માલિકના પીતરાઈ ભાઈ મુંબઈ રહેતા હોય તેમના સંપર્કમાં આવ્યા હતા અને તેમણે મુંબઈના જ અન્ય બે વ્યક્તિઓ સાથે પરિચય કરાવી ટુકડે ટુકડે ૨૩,૮૦,૨૪૦ રૃપિયા લીધા બાદ આ લોકોને ફક્ત દુબઈની ટુર કરાવી હતી જે બાદ અવારનવાર ઉઘરાણી કરતાં મુંબઈના ત્રણેય શખ્સોએ ખોટા વાયદા કરી બહાના બનાવતા આખરે ત્રણ વર્ષ બાદ છેતરપિંડીનો ભોગ બનેલ લોકોએ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના ચરાડા ગામના મૂળ રહેવાસી અને માણસા શહેરમાં ડોક્ટર પરમારની હોસ્પિટલ સામે આવેલ નારાયણ પ્લાઝામાં કૃપા હેર સલૂન નામની શોપ ધરાવતા મયુરભાઈ મહેન્દ્રભાઈ લીંબાચીયા અને તેમના પત્ની તથા તેમના મિત્રો નવનીતભાઈ બાબુભાઈ નાયી,આકાશભાઈ ગોવિંદભાઈ, ભુપતસિંહ અખેરાજસિંહ ને ટુર કરવી હતી જેથી તેઓ તેનું આયોજન કરી રહ્યા હતા અને તે જ સમયે મયુરભાઈ ના મોટા બાપાના દીકરા કે જેઓ મુંબઈ ખાતે રહે છે તે રોહિતભાઈ રમેશભાઈ લીમ્બાચીયા સાથે ચર્ચા થઈ હતી.

જેમાં રોહિતભાઈએ તેમને ભરોસો આપ્યો હતો કે તેમના મિત્રો વિદેશ પ્રવાસ નું આયોજન કરે છે અને તે લોકો તમને ટુર કરાવી આપશે તેવું જણાવી થોડા દિવસ બાદ મુંબઈથી તેમણે વીડિયો કોલિંગ મારફતે શ્યયામસુંદર અવિનાશ પરબ અને જૈનમ શાહ નામના વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવી હતી..

જેમાં શ્યામસુંદરે પોતે યુએસએ કોન્સ્યુલેટમાં હોવાનો દાવો કર્યાે હતો અને તેમની હાથ નીચે જૈનમ શાહ કામ કરે છે તેવું જણાવી વિશ્વાસમાં લઈ આ ત્રણે ઈસમોએ મયુરભાઈ તથા તેમના ત્રણ મિત્રો પાસેથી ટુકડે ટુકડે ૨૩,૮૦,૨૪૦ રૃપિયા લીધા હતા અને રૃપિયા આપ્યા બાદ પણ આયોજન ન થતા તેમને ફોન કરતા આ લોકોએ જણાવ્યું હતું કે હાલ યુરોપ કન્ટ્રીના વિઝા વેઇટિંગમાં છે એટલે જો તમારે દુબઈની ટ્રીક કરવી હોય તો અમે મોકલી આપીશું તેવું જણાવી મયુરભાઈ અને મિત્રોને દુબઈની ટ્રીપ કરાવી હતી.

પરંતુ સને ૨૦૨૨ માં રકમની ચુકવણી કરવા છતાં પણ કંઈ નક્કી ન થતા આખરે તેમણે વારંવાર ફોન કરતા રોહિતભાઈએ મયુરભાઈ અને તેમના મિત્રોના પાસપોર્ટ પરત મોકલ્યા હતા.

પરંતુ તેમના પિતાનો પાસપોર્ટ આપ્યો ન હતો અને જણાવ્યું હતું કે હું તમારા પૈસા પરત આપી દઈશ તેવી બાંહેધરી આપવા છતાં પણ પૈસા પરત ન મળતા અને ખોટા વાયદા કરતાં પોતે છેતરાયા હોવાનું લાગતા આખરે મયુરભાઈએ મુંબઈના ત્રણેય ઇસમો વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.