ભાદરવી પૂનમ મહામેળામાં ૫૫૦૦ વધારાની બસો દોડાવાશે

પ્રતિકાત્મક
એસ.ટી. નિગમ દ્વારા યાત્રાળુઓની સુરક્ષા અને સગવડ માટે 24×7 CCTV મોનિટરિંગ, પેસેન્જર શેડ, જાહેર શૌચાલય અને પીવાના પાણીની સુવિધા જેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
(એજન્સી) અમદાવાદ, અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં ઉમટી પડતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓ માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓને સલામત અને સુવિધાજનક પ્રવાસનો અનુભવ મળે તે માટે આ વર્ષે કુલ ૫૫૦૦ વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગત વર્ષે ભાદરવી પૂનમના મેળામાં એસ.ટી. નિગમે ૫૧૦૦ વધારાની બસો દ્વારા ૧૦.૯૨ લાખ યાત્રાળુઓને સેવા પૂરી પાડી હતી. આ વર્ષે યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને બસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ૧ સપ્ટેમ્બર ૨૦૨૫થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી આ વિશેષ બસોનું સંચાલન થશે.
આ બસો મુખ્યત્વે અંબાજીથી ગબ્બર, દાંતા, પાલનપુર, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા રૂટ્સ પર દોડશે, જેથી રાજ્યભરમાંથી આવતા યાત્રાળુઓ સરળતાથી અંબાજી પહોંચી શકે. આ ઉપરાંત નજીકના મુખ્ય સ્થળોથી અંબાજી આવવા સ્પેશિયલ મીની બસોની વ્યવસ્થા પણ કરાઇ છે. ગબ્બરથી અંબાજી ઇ્ર્ં માટે ૨૦ બસો, અંબાજીથી દાંતા માટે ૧૫ બસો, દાંતાથી પાલનપુર માટે ૨૦ બસો દોડાવવામાં આવશે.
એસ.ટી. નિગમ દ્વારા યાત્રાળુઓની સુરક્ષા અને સગવડ માટે 24×7 CCTV મોનિટરિંગ, પેસેન્જર શેડ, લાઈન, જાહેર શૌચાલય અને પીવાના પાણીની સુવિધા જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર વ્યવસ્થાનું સુચારુ સંચાલન કરવા માટે ૪૦૦૦ કર્મચારીઓની ટીમ ખડેપગે રહેશે.
ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે ટ્રસ્ટે યાત્રાળુઓ માટે રૂપિયા ૧૦ કરોડનો વીમો લીધો છે.