વર્ષો જૂની પાઈપ લાઈનોમાં વારંવાર લીકેજ થતું હોવાથી પાણીની લાઈન નવી નાંખવામાં આવશે

પ્રતિકાત્મક
અમદાવાદના નરોડા, સૈજપુર, ઓઢવ વિસ્તારની વર્ષો જૂની પાણીની લાઈનો બદલવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા-જુદા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શુધ્ધ પાણી સપ્લાય કરવા માટે જુદા જુદા રસ્તાઓ પર જુદા જુદા વ્યાસની એમ.એસ./સી.આઈ./ડી.આઈ./ પી.એસ.સી. અને એચ.ડી.પી.ઈ. જેવી ટૂંકમેઈન / બ્રાંચ ફીડર પાઈપ લાઈન નાંખવામાં આવી છે.
જે પૈકી વર્ષો જૂની પાઈપ લાઈનોમાં વારંવાર લીકેજ થતું હોવાથી પાઈપલાઈન અપગ્રેડ/ નવી નાંખવાની જરૂરિયાત ઊભી થાય છે. જેના કારણે જુદી જુદી જગ્યાએ આશરે ૨૫ વર્ષ જુની લાઈનો બદલી તેના સ્થાને નવી એમ.એસ./ડી.આઈ. પાઈપલાઈન નાખવામાં આવશે. આ કામ માટે રૂ.૧.૧૪ કરોડ નો ખર્ચ થશે.
મ્યુનિસિપલ વોટર સપ્લાય કમીટી ચેરમેન દિલીપ બગરિયા ના જણાવ્યા મુજબ પુર્વ ઝોનનાં ઓઢવ અંબિકાનગર વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન તથા વિરાટનગર વોર્ડના ક્રિષ્નાપાર્ક વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં વિરાટનગર ચાર રસ્તા પર બી.આર.ટી.એસ. રૂટની સમાંતર પસાર થતી લાઈનમાંથી જોડાણ કરી વિરાટનગર ચાર રસ્તાથી ઓઢવ અંબિકાનગર વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન સુધી આવેલ
૮૦૦ મી.મી. વ્યાસની આશરે ૮૫૦ મીટર લંબાઇની તથા ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં ગેલેક્ષી ચાર રસ્તાથી નરોડા ગામ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન સુધી આવેલ ૬૦૦ મી.મી. વ્યાસની તથા સૈજપુર ધનુષધારી મંદિર થી સૈજપુર વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં પાણી પુરૂ પાડતી ૬૦૦ મી.મી વ્યાસની પી.એસ.સી. લાઈન મારફતે પાણી પુરૂ પાડવામાં આવે છે. આ લાઈનમાં વારંવાર લીકેજ થાય છે.
જેથી પાણીનો બગાડ થાય છે અને વારંવાર લીકેજ રીપેરીંગ કરવા માટે રોડ તોડી લીકેજ રીપેરીંગ માટે રોડને પણ નુકશાન થાય છે. જેથી આ લાઈનને બદલી નવી લાઈન નાંખવાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં રામોલ-હાથીજણ વોર્ડમાં આવેલ વિનોબાભાવે નગર વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન માટે સરદાર પટેપ રીંગ રોડ પર આવેલ વિંઝોલ રેલ્વે બ્રિજના લાલગેબી સર્કલ તરફના છેડે આવેલ
પેરેડાઈઝ એપાર્ટમેન્ટ પાસે આવેલ રસ્તાથી કેનાલ થઈ વિનોબાભાવે નગર વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન સુધી પસાર થતી રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ૬૦૦ મીમી વ્યાસની ઇસ્ટર્ન ટ્રન્કમેઈન માંથી ૪૫૦ મીમી વ્યાસનું જોડાણ કરી પાણી પુરૂ પાડવામાં આવે છે.
જે ફીડર લાઈન આશરે વર્ષ ૨૦૧૪ માં નાંખવામાં આવી હતી. જેમાં જે તે સમયે આ વિસ્તારમાં ટી.પી. સ્કીમ અમલમાં ન હોઈ પાકો ટી.પી. રોડ ન હોવાથી હયાત કાચા રસ્તા પરથી વિનોબાભાવે નગર વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન સુધી ૪૫૦ મીમી વ્યાસની લાઈન નાંખવામાં આવી હતી.
પરંતુ હાલમાં આ વિસ્તારમાં ટી.પી. સ્કીમ અમલમાં મુકેલ હોઈ ટી.પી. રસ્તા મુજબ હયાત પાઈપલાઈન પૈકી કેટલીક લાઈન ખાનગી માલીકીની જમીનમાંથી પસાર થાય છે. જેથી સદર ખાનગી માલીકીની જમીનમાંથી પસાર થતી પાઇપલાઇનને ટી.પી. રોડને સમાંતર નવી ૪૫૦ મી.મી વ્યાસની ડી.આઈ. લાઈન નાંખવાની કામગીરી કરાવી હયાત ૪૫૦ મી.મી. વ્યાસની ડી.આઈ. લાઈન બંધ કરવામાં આવશે.