જસ્ટિસ વિપુલ પંચોલીની સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક સાથે જ ગુજરાતના ત્રણ ન્યાયાધીશ થઈ જશે

સુપ્રીમ કોર્ટને મળશે વધુ એક ગુજરાતી ન્યાયાધીશ
અમદાવાદમાં જન્મેલા વિપુલ પંચોલી ૧ આૅક્ટોબર, ૨૦૧૪ના દિવસે ગુજરાત હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા હતા
(એજન્સી) અમદાવાદ, ગુજરાતના વતની, ગુજરાત હાઇકોર્ટના તત્કાલિન ન્યાયાધીશ અને હજુ ગત મહિને જ પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બઢતી પામેલા જસ્ટિસ વિપુલ પંચોલીની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટની કોલેજીયમે મહત્ત્વની ભલામણ કરી છે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આલોક આરાધને પણ સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ તરીકે નિયુક્તિ આપવા માટે ભલામણ કરી છે. SC Collegium’s proposal to elevate Justice Vipul Pancholi
જો આગામી દિવસોમાં કેન્દ્રમાંથી અને ભારતના રાષ્ટ્રપતિની સત્તાવાર મહોર લાગી જશે તો, જસ્ટિસ વિપુલ પંચોલીની નિમણૂંક સાથે જ સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ત્રણ ન્યાયાધીશ થઈ જશે. જેમાં જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ નિલય વી. અંજારિયા હાલ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે સેવા આપી રહ્યા છે.
જસ્ટિસ વિપુલ એમ. પંચોલી જો સુપ્રીમ કોર્ટ જજ તરીકે સત્તાવાર ઘોષિત થશે ત્યારે તેઓ જસ્ટિસ જોયમાલ્યા બાગચીની નિવૃત્તિ પછી આૅક્ટોબર-૨૦૩૧માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંકની દાવેદારીની યાદીમાં પણ આવી જશે.સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ જે. કે. મહેશ્વરી અને જસ્ટિસ બી. વી. નાગરથ્ના એમ પાંચ સભ્યોની કોલેજીયમની મહત્ત્વની બેઠક મળી હતી.
પટણામાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિપુલ પંચોલી બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આલોક આરાધેને સુપ્રીમ કોર્ટ જજ તરીકે નિમણૂંક આપવા માટેની ભલામણ કરાઈ હતી. મૂળ ગુજરાતના વતની એવા જસ્ટિસ વિપુલ પંચોલીની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિની વાતને લઈને રાજયના ન્યાયતંત્રમાં પણ ભારે ખુશી અને ગૌરવની લાગણી ફેલાઈ ગઈ હતી.
૨૮ મે, ૧૯૬૮ના દિવસે અમદાવાદમાં જન્મેલા વિપુલ પંચોલી ૧ આૅક્ટોબર, ૨૦૧૪ના દિવસે ગુજરાત હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા હતા અને ૧૦ જૂન, ૨૦૧૬ના દિવસે તેઓ હાઇકોર્ટના કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્તિ પામ્યા હતા.
જુલાઈ ૨૦૨૩માં તેમને પટણા હાઇકોર્ટ મોકલાયા હતા અને હજુ તે પહેલાં જ જસ્ટિસ વિપુલ એમ. પંચોલીને બઢતી આપી, પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા હતા અને ૨૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ જસ્ટિસ વિપુલ એમ. પંચોલીએ પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.