AMC મધ્યઝોન ઈજનેર વિભાગમાં કોન્ટ્રાક્ટર રાજઃ ગણ્યા-ગાંઠ્યા કોન્ટ્રાક્ટરોને જ આપતા કામ
 
        AI Image
AMC મધ્ય ઝોનનાં ઇજનેરો અને કોન્ટ્રાક્ટરની મિલીભગત ખુલ્લી પડે તેમ છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, મ્યુનિ.નાં ઇજનેર ખાતામાં વિવિધ પ્રકારના કામો માટે ઢગલાબંધ કોન્ટ્રાક્ટરો નોંધાયેલાં છે, પરંતુ ચોક્કસ કોન્ટ્રાક્ટરોને જ યેનકેન પ્રકારે કામો પધરાવવાનો ખેલ ચાલે છે અને તેમાંય મધ્ય ઝોનમાં પણ ગણ્યાગાંઠ્યા કોન્ટ્રાક્ટરોને જ લોએસ્ટનાં નામે લાખો કરોડોનાં કામો આપી દેવાની વિવાદાસ્પદ દરખાસ્તો રોડ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્ય ઝોનમાં અસારવા વોર્ડમાં સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટર બજેટમાંથી આરસીસી રોડ તથા પેવર બ્લોક લગાવવાનુ ૨.૪૦ કરોડનુ એઆરસી ટેન્ડર, શાહપુર વોર્ડમાં પણ સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટર બજેટમાંથી આરસીસી રોડ તથા પેવર બ્લોક લગાવવાનુ ૨.૪૦ કરોડનુ ટેન્ડર,
શાહપુરમાં મ્યુનિ. બિલ્ડીંગો, સ્કૂલો અને આંગણવાડીઓ રિપેર કરવાનુ ૧.૪૧ કરોડનુ એઆરસી ટેન્ડર, દરિયાપુર વોર્ડમાં ફૂટપાથ અને સેન્ટ્રલ વર્જને કલર કરવાનુ ૯૪.૯૨ લાખનુ એઆરસી ટેન્ડર, દરિયાપુર વોર્ડમાં પેવર બ્લોક લગાવવાનાં
અને રિપેર કરવાનુ ૯૪.૯૮ લાખનુ એઆરસી ટેન્ડર સર્જન બિલ્ડર્સ નામનાં કોન્ટ્રાક્ટરને આપવાની દરખાસ્ત રોડ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે. એકંદરે ૯-૧૦ કરોડનાં કામો ફક્ત એક જ કોન્ટ્રાક્ટરને આપવામાં આવી રહ્યાં છે અને તેમાં વાસ્તવમાં કોન્ટ્રાક્ટ મળ્યા બાદ પેટા કોન્ટ્રાક્ટમાં કેટલા કામો થાય છે તેની વિજિલન્સ તપાસ કરાવવામાં આવે તો મધ્ય ઝોનનાં ઇજનેરો અને કોન્ટ્રાક્ટરની મિલીભગત ખુલ્લી પડે તેમ છે.
આ સિવાય મધ્ય ઝોન ઇજનેર ખાતામાં આકૃતિ કન્સ્ટ્રકશન નામનાં કોન્ટ્રાક્ટરની પણ બોલબાલા છે. આ કોન્ટ્રાક્ટરને પણ શાહપુર વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર રિપેરીંગનુ ૨.૪૭ કરોડનુ ટેન્ડર પધરાવાયુ છે, આટલા ખર્ચમાં નવુ બિલ્ડીંગ બની જાય તેમ જાણકારો કહી રહ્યાં છે.
આકૃતિ કન્સ્ટ્રકશનને વાસુદેવ ત્રિપાઠી હોલ રિપેરીંગનુ ૨.૨૮ કરોડનુ ટેન્ડર તેમજ મ્યુનિ.ની મુખ્ય કચેરીનાં બી બ્લોકમાં રિપેરીંગનુ ૨.૧૧ કરોડનુ ટેન્ડર પધરાવી દેવાયુ છે. એકંદરે આકૃતિ કન્સ્ટ્રકશન નામનાં કોન્ટ્રાકટરને પણ સાતેક કરોડનાં કામો આપવામાં જ મધ્ય ઝોન ઇજનેર ખાતાનુ હિત સમાયુ હોય તેમ લાગી રહ્યું છે.
મ્યુનિ. સૂત્રોએ સ્વીકાર્યુ હતું, મધ્ય ઝોનમાં કોઇ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર થતા નથી તેવી ખોટી બૂમરાણ મચાવીને ચોક્કસ અને માનીતા કોન્ટ્રાક્ટરોને જ કામો પધરાવવાનુ વર્ષોથી ચાલ્યુ આવે છે, તેવી જ રીતે મધ્ય ઝોનમાં ગેરકાયદે બાંધકામોને છાવરવામાં પણ એસ્ટેટ-ટીડીઓ ખાતાની ભૂમિકા શંકાસ્પદ ગણાય છે. તેમ છતાં મ્યુનિ. સત્તાધીશો મધ્ય ઝોનનાં ઇજનેર અને એસ્ટેટ ટીડીઓ ખાતા સામે કડક પગલા લેવામાં પાછા પડી રહ્યાં છે.

 
                 
                 
                