પૂર્વ પતિએ મહિલાનું અપહરણ કર્યું, પોલીસે નાકાબંધી કરી પકડી પાડયો

AI Image
ફિલ્મી સ્ટાઈલમાં મહિલાને પીકઅપ વાનમાં બળજબરીથી બેસાડીને ભાગ્યો
સુરત, સચિન જીઆઈડીસી વિસ્તારમાં નોકરી પરથી ઘરે જઈ રહેલી એક મહિલાનું તેના પૂર્વ પતિ દ્વારા જાહેરમાં અપહરણ કરાતા ધમાચકડી મચી ગઈ હતી. ફિલ્મી દૃશ્યોની જેમ પૂર્વ પતિએ બોલેરો પીકઅપ વાનમાં બળજબરીપૂર્વક મહિલાને બેસાડી અપહરણ કર્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
જો કે, સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પૂર્વ પતિ છોટા ઉદેપુર પહોંચે તે પહેલાં ચેક પોસ્ટથી પકડી પાડયું હતું અને મહિલાને સહી સલામત મુકત કરાવી હતી. પત્નીને પામવા માટે પૂર્વ પતિએ અપહરણનો રસ્તો અપનાવ્યો હતો.
આ ઘટના શુક્રવારે ર૩મી ઓગસ્ટના રોજ સાંજે ૭ઃ૧પ વાગ્યાની આસપાસ બની હતી. ભોગ બનનાર મહિલા જે આશરે દોઢ વર્ષ પહેલાં તેના પતિ રાકેશ બરસન કિરાડ (ઉ.વ.રપ)થી છૂટાછેડા લઈ અલગ રહેતી હતી. તે પોતાની બહેનપણી સાથે નોકરી પરથી ઘરે જઈ રહી હતી તે જ સમયે તેનો પૂર્વ પતિ રાકેશ એક સફેદ બોલેરો પીકઅપ ગાડી લઈને આવ્યો હતો.
તેણે રસ્તામાં જ રીટાને રોકી, બળજબરીપૂર્વક તેનો હાથ પકડી ગાડીમાં બેસાડી દીધી અને તેનું અપહરણ કરી ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનાથી ચોંકી ગયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મહિલાના ભાઈએ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સચિન જીઆઈડીસી પોલીસે તરત જ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ટીમો દોડાવી હતી.
સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી અને વાહન ચેકિંગ પણ સઘન બનાવવામાં આવ્યું હતું અને અપહરણકર્તા રાકેશ કિરાડ છોટાઉદેપુરના ખેરકુવા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
પોલીસે તેની પાસેથી અપહરણ કરાયેલી મહિલાને સહી-સલામત મુક્ત કરાવી હતી. ડીવાયએસપી નીરવ ગોહિલનું કહેવું હતું કે, આરોપી રાકેશની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, દોઢ વર્ષ પહેલાં તેના છૂટાછેડા થઈ ગયા હોવા છતાં તે તેની પૂર્વ પત્ની સાથે ફરીથી સંસાર માંડવા માંગતો હતો અને આ જ કારણે તેણે આ અપહરણનું કાવતરું રચ્યું હતું.
આ બન્નેને સંતાનમાં એક દિકરો અને એક દીકરી હતા. ૪ માસના દિકરાનું અગાઉ અવસાન થયું હતું. જ્યારે ચઢી વર્ષની દીકરી આરોપી રાકેશ સાથે રહેતી હતી. આ સંજોગોમાં પૂર્વ પત્નીને ફરીથી પોતાની પાસે પાછી લાવવા માટે રાકેશે આ ગુનો આચર્યો હતો. હાલ સચિન જીઆઈડીસી પોલીસે આરોપી રાકેશ કિરાડની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.