કાળાબજારિયાને એક મિનિટમાં રેલવેની ટિકિટ મળે પરંતુ સામાન્ય લોકોને મળતી નથી

IRCTCનું સર્વર ધીમું થતાં લોકોને હેરાનગતિ
સુરત, દિવાળીની આસપાસના સમયમાં ફરવા જવા માટે હાલમાં ટ્રેનની ટિકિટ બુકિંગ કરવામાં આવી રહી છે પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી ટિકિટના કાળાબજારીઓ દ્વારા સોફટવેરના આધારે ટિકિટ બુક કરવાના કારણે એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં મોટાભાગની ટ્રેનો બુક થઈ જાય છે. આ કારણોસર સામાન્ય લોકોને કન્ફર્મ ટિકિટ મળતી નથી.
જ્યારે કેટલાક લોકોને ટિકિટ જ મળતી નથી તેવા વેઈટિંગ ટિકિટની રિગ્રેડ આવી જાય છે. તેના લીધે વેઈટિંગ ટિકિટ પણ બુક કરાવી શકાતી નથી પરંતુ રવિવારે આઈઆરસીટીસીનું સર્વર ધીમું ચાલતું હોવાના લીધે રિઝર્વેશન સેન્ટર તથા વાયટીએસકે (યાત્રી ટિકિટ સુવિધા કેન્દ્ર) પરથી મુસાફરોને સવારના ૮ઃર૦ કલાક સુધી કન્ફર્મ ટિકિટ મળતી હતી.
ટ્રેનમાં મુસાફરી કરવા માટે ૬૦ દિવસ પહેલાં ટિકિટ બુકિંગ કરી શકાય તેવી સુવિધા આપવામાં આવે છે. તેના કારણે દિવાળીના અરસામાં ફરવા જનારાઓ અત્યારથી જ ટિકિટ બુક કરી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સામાન્ય લોકોને કન્ફર્મ ટિકિટ મળતી જ નહીં હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી તેમાં રવિવારે લોકોને અચાનક જ સવારના ૮ઃર૦ કલાક સુધી કન્ફર્મ ટિકિટ મળી રહી હતી.
તે માટે જાણકારોનું કહેવું છે કે, આઈઆરસીટીસીનું સર્વર ધીમું ચાલી રહ્યું હોવાના લીધે સોફટવેર પર ટિકિટ બુક કરનારાઓ ટિકિટ બુક કરી શકયા નહોતા. તેના લીધે રિઝર્વેશન સેન્ટર પર વાયટીએસકે પર ટિકિટ બુક કરનારાઓને કન્ફર્મ ટિકિટ મળી રહેતી હતી.
સોમવારે ફરી એક મિનિટમાં જ લોકોને કન્ફર્મ ટિકિટ મળવાનું બંધ થઈ ગયું હતું. જો કે, સોંફટવેરથી ટિકિટ બુક નહીં થાય તે માટે રેલવે તંત્ર દ્વારા અનેક પ્રયાસ કરી રહી હોવા છતાં ટિકિટના કાળાબજારિયાઓ અવનવી રીત અપનાવીને પણ ટિકિટ બુક કરી રહ્યા છે તેના લીધે જ સામાન્ય લોકોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.