અમેરીકાને પણ થશે ભારે નુકસાન થશે ભારત પર નંખાયેલા નવા ટેરિફથી

(એજન્સી)નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ પર કુલ ૫૦% નો ટેરિફ લાગુ કર્યો છે. જોકે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટ મુજબ, આ પગલાથી ભારતને નહીં પરંતુ અમેરિકાની પોતાની અર્થવ્યવસ્થાને જ ગંભીર નુકસાન થશે. આ ઊંચા ટેરિફના કારણે અમેરિકામાં મોંઘવારી વધશે અને આર્થિક વિકાસને મોટો ફટકો પડશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫% બેઝ ટેરિફ અને રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ વધુ ૨૫% દંડ લાદ્યો છે, જેના કારણે કુલ ટેરિફ ૫૦% થઈ ગયો છે. એસબીઆઈના એક રિપોર્ટ મુજબ, આ નિર્ણય અમેરિકા માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે. આ ટેરિફના કારણે અમેરિકાનો જીડીપી વૃદ્ધિ દર ૪૦ થી ૫૦ બેસિસ પોઈન્ટ્સ ઘટી શકે છે, અને મોંઘવારી પણ ખૂબ વધશે. આ ટેરિફની અસર ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા ક્ષેત્રો પર થશે, જે આયાત પર નિર્ભર છે.
એસબીઆઈના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ભારત પર ઊંચો ટેરિફ લાદવાથી અમેરિકાની પોતાની અર્થવ્યવસ્થાને જ નુકસાન થશે. નવા ટેરિફને કારણે અમેરિકાનો કુલ સ્થાનિક ઉત્પાદન વૃદ્ધિ દર ૪૦ થી ૫૦ બેસિસ પોઈન્ટ્સ સુધી ઘટી શકે છે. આ ઉપરાંત, નબળા અમેરિકી ડોલર અને ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે દેશમાં મોંઘવારી પણ મોટા પ્રમાણમાં વધશે.
રિપોર્ટ અનુસાર, ૨૦૨૬ માટે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા ૨% મોંઘવારીનો જે અંદાજ મૂકવામાં આવ્યો છે, તે આ નવા ટેરિફના કારણે ઘણો ઊંચો રહી શકે છે. આર્થિક વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પનો આ નિર્ણય અર્થતંત્રને ગતિ આપવાને બદલે તેને મંદી તરફ ધકેલી શકે છે.