ચિકનની કિંમતોને કારણે થયેલી હિંસક અથડામણના કારણે બનેલા મર્ડરના 3 આરોપી ઝડપાયા

માત્ર ૫ રૂપિયાના વિવાદમાં ત્રણ લોકોની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હતી.-અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અજમેર ટ્રિપલ મર્ડર કેસમાં વોન્ટેડ ત્રણ આરોપીઓની કરી ધરપકડ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અજમેરમાં થયેલા ટ્રિપલ મર્ડર કેસમાં મોટી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ એ જ સનસનાટીપૂર્ણ કેસ છે જેમાં માત્ર ૫ રૂપિયાના વિવાદમાં ત્રણ લોકોની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હતી.
હત્યાઓ પછી અનેક શંકાસ્પદ આરોપીઓ પોલીસથી બચવા અજમેરમાંથી ભાગી ગયા હતા. ગુપ્તચર માહિતીના આધારે અમદાવાદમાં કેટલાક આરોપીઓ છુપાયેલા હોવાની બાતમી મળતાં ક્રાઈમ બ્રાન્ચે મોનીટરીંગ કરીને ત્રણ વોન્ટેડ આરોપીઓને પકડી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં શૌર્યાવન મહોલ્લા, ડિગી બજાર, અજમેરના રહેવાસી સલમાન અબ્દુલાલી કુરીશી (29), અલ્લરખા અબ્દુલાલી કુરીશી (25) અને આવેશ અબ્દુલાલી કુરીશી (20)નો સમાવેશ થાય છે.
આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસ અજમેરના રામગંજ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો હતો.
તપાસકર્તાઓએ જણાવ્યું કે આ ઘટના કુરેશી સમુદાય વચ્ચે ચિકનની કિંમતોને લઈને થયેલી હિંસક અથડામણના કારણે બની હતી, જેને લઇને વોટ્સએપ ગ્રુપમાં ચર્ચા ચાલી રહી હતી.
૧૫ જુલાઈએ રામગંજ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના ખાનપુરામાં મુસ્લિમ સમુદાયના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઝઘડો પાકીઝા મીટ શોપ પર જૂની અદાવતને કારણે શરૂ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં બંને પક્ષોએ તીક્ષ્ણ હથિયારો અને અન્ય શસ્ત્રોનો ઉપયોગ કર્યો.
આ હુમલામાં દસ લોકો ઘાયલ થયા હતા અને ઇમરાન, શાહનવાઝ અને ગુલામ કુરેશી નામના ત્રણ વ્યક્તિઓને હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ દમ તોડ્યો હતો. સલમાન, શાહરૂખ અને ઈરફાન સહિત અન્ય કેટલાકને ગંભીર ઈજાઓ થઈ હતી. તમામ ઘાયલોને અજમેરની જવાહરલાલ નેહરુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી બેની હાલત હજુ પણ ગંભીર છે.
ઘટના બાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા અને અનેક આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તણાવના કારણે સમગ્ર વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને અધિકારીઓએ રહેવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરી હતી.