Western Times News

Gujarati News

યુકેમાં જાતિય ગુનાઓ આચરતા વિદેશીઓમાં ભારતીયો મોખરે

લંડન, બ્રિટનમાં જાતિય ગુના માટે દોષિત ઠેરવવામાં આવેલા વિદેશીઓમાં ભારતીયોના પ્રમાણમાં સૌથી વધુ ૨૫૭ ટકાનો વધારો જોવા મળ્યો છે. ૨૦૨૧માં આવા ગુનામાં ભારતીયો સામેના કેસોની સંખ્યા ૨૮ હતી, જે ૨૦૨૪માં વધી ૧૦૦ થઈ હતી.

બ્રિટનમાં છેલ્લાં ચાર વર્ષમાં આવા ગુના માટે વિદેશીઓને સજામાં પણ ઉછાળો આવ્યો છે, એવું બ્રિટિશ સરકારના ડેટાના એક વિશ્લેષણમાં બહાર આવ્યું છે.૨૦૨૧થી ૨૦૨૪ વચ્ચેના ચાર વર્ષમાં ભારતીયો સામેના આવા કેસમાં ૭૨નો વધારો થયો હતો, જે ૨૫૭ ટકાનો જંગી વધારો દર્શાવે છે. આની સામે વિદેશી નાગરિકોને જાતીય ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યાનું પ્રમાણ ૬૨ ટકા રહ્યું હતું.

આ આંકડા યુકેના ન્યાય મંત્રાલયના ડેટા પર આધારિત છે. આ ડેટા પોલીસ નેશનલ કોમ્પ્યુટરમાંથી લેવામાં આવ્યાં હતાં અને ઇમિગ્રેશન વિરોધી થિંક ટેન્ક સેન્ટર ફોર માઇગ્રેશન કંટ્રોલએ તેનું વિશ્લેષણ કર્યું હતું.

સીએમસીના વિશ્લેષણમાં જણાવાયું છે કે ૨૦૨૧થી ૨૦૨૪ દરમિયાન જાતિય ગુનામાં દોષિત ઠેરવવામાં આવેલા વિદેશી નાગરિકોના પ્રમાણમાં ૬૨ ટકાનો વધારો થયો હતો.

આમ આવા ગુનામાં દોષિત ઠરેલા વિદેશી નાગરિકોની સંખ્યા ૬૮૭થી ઉછળીને ૧,૧૧૪ થઈ હતી. આ સમયગાળામાં બ્રિટિશ નાગરિકોના દોષિત ઠેરવવાનો દર ૩૯.૩૧ ટકા વધ્યો હતો. સીએમસીના આંકડા મુજબ ભારતીયો ૨૦૨૧થી આ શરમજનક ચાર્ટમાં ટોચ પર રહ્યાં છે.

૨૦૨૧માં ભારતીયો સામે આવા ૨૮ કેસ નોંધવામાં આવ્યાં હતાં. આ પ્રમાણ ૨૦૨૨માં વધી ૫૩, ૨૦૨૩માં ૬૭ અને ગયા વર્ષે ૧૦૦ થયું હતું. આ સમયગાળામાં ભારતીયો પછી નાઇજિરિયનોના સામેના કેસમાં ૧૬૬ ટકા, ઇરાકીઓ સામેના કેસમાં ૧૬૦ ટકા, સુદાની નાગરિક સામેના કેસમાં ૧૧૭ ટકા અને અફઘાન સામેના કેસમાં ૧૧૫ ટકાનો વધારો થયો હતો.

આ યાદીમાં બાંગ્લાદેશ છઠ્ઠા ક્રમે અને પાકિસ્તાન સાતમાં ક્રમે રહ્યું હતું. બાંગ્લાદેશીઓ સામેના કેસમાં ૧૦૦ ટકા અને પાકિસ્તાનીઓ સામેના કેસોમાં ૪૭ ટકાનો વધારો થયો હતો. બીજા ગંભીર ગુનામાં દોષિત ઠરવામાં પણ ભારતીયોનો ક્રમ ત્રીજો રહ્યો હતો. ૨૦૨૧-૨૪ દરમિયાન તેમાં ૧૧૫ ટકાનો વધારો થયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.