૮૦ લાખની દહેજની માગણી ન સંતોષાતા સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપ્યો

અમદાવાદ, નારોલમાં લગ્નના થોડા જ દિવસમાં પતિ સહિત સાસરિયાઓએ સરકારી જુનિયર ક્લાર્ક પરિણીતાને ત્રાસ આપીને રૂ. ૮૦ લાખનું દહેજની માગણી કરી હતી. તેમજ સોનાના ૧૫ તોલા દાગીના સાચવવાના બહાને લઇ લીધા હતા.
આટલું જ નહિ સસરાએ પુત્રવધૂની છેડતી કરી હતી પરંતુ પ્રતિકાર કરતા ફટકારી કબાટ સાથે માથું ભટકાવ્યું હતું. તેમજ સાસુ અને નણંદે ગરમ પાણીમાં પરિણીતાનો હાથ નાખી દીધો અને કચરો તેની પર ફેંકતા હતા.
કંટાળીને પરિણીતાએ પતિ સહિત સાસરિયાં સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વલસાડના ધરમપુર તાલુકા પંચાયતમાં જુનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતી અને નારોલમાં પરિવાર સાથે રહેતી ૩૦ વર્ષીય પરિણીતાના વર્ષ ૨૦૨૪માં અજમેરના સોફ્ટવેર એન્જિનિયર યુવક સાથે લગ્ન થયા હતા.
લગ્ન બાદ યુવતી અજમેર તેની સાસરીમાં ૧૫ તોલા સોનું સહિત કુલ ૨૦ લાખ રૂપિયાના કરિયાવર સાથે રહેવા માટે ગઈ હતી. પરંતુ દહેજ ભૂખ્યા સાસરિયાઓએ લગ્નના બીજા દિવસથી જ પરિણીતા પાસે દહેજની માગણી કરીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.
આ દરમિયાન નણંદે પાડોશમાં વાતચીત કરવાથી મનાઈ ફરમાવી હતી. તદુપરાંત નણંદ પરિણીતાના રૂમમાં આવીને સુઈ જતી તથા સંતાન નહીં કરવાની સૂચના આપતી હતી.
આટલાથી ઓછું હોય તેમ અજમેરમાં નવો બંગલો બનાવવા માટે થઈને સાસરિયાઓ પરિણીતાને દબાણ કરવા લાગ્યા કે તારા પિતા પાસેથી રૂ.૮૦ લાખ મગાવીને આપ કહેતા યુવતીએ ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદથી સાસુ અને સસરા, નણંદ તથા પતિ યુવતી સાથે મારઝૂડ કરતા હતા.
આ અંગે પરિણીતાએ તેના પિતાને જાણ કરતા બધું સહન કરવાનું જણાવ્યું હતું. પરંતુ થોડાક મહિના બાદ સામાન્ય બાબતમાં નણંદે પરિણીતાનો હાથ ઉકળતા પાણીમાં નાંખી દીધો હતો. ત્યારબાદ આખરે કંટાળીને પરિણીતાએ તેની સાસરીમાં થી આવીને નારોલમાં પિતાના ઘરે રહેવા આવી ગઈ અને બાદમાં આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં સાસુ, સસરા, નણંદ અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે.SS1MS