રિક્ષાચાલક અને સાગરીતો પેસેન્જરને છરીની અણીએ લૂંટી પલાયન થઇ ગયા

અમદાવાદ, શહેરના પૂર્વ વિસ્તારમાં રિક્ષામાં બેસાડી લોકોને લૂંટતી ગેંગ સક્રિય છે. ત્યારે ફતેહવાડી વિસ્તારમાંથી રિક્ષામાં બેસી ઘરે જતા યુવકને ચાલક અને તેના સાગરીતોએ છરીની અણીયે લૂંટી લીધો હતો. રોકડ રૂપિયા લઇ લીધા બાદ શખ્સો યુવકને એક દુકાનમાં લઇ ગયા હતા અને ત્યાં ગુગલ પેથી ટ્રાન્ઝેક્શન કરાવી તે પૈસા પણ ત્યાંથી રોકડા લઇ પલાયન થઇ ગયા હતા.
આ મામલે યુવકે રિક્ષાચાલક અને સાગરીતો સામે દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે. નોંધનીય છે કે, રિક્ષામાં બેસી પેસેન્જરોને લૂંટતી ગેંગો રોકડ રકમ અને કિમતી સામાન લેતી હતી. પરંતુ હવે તો ગુગલ પેથી પણ પૈસા લેવા લાગી હોવાની નવી મોડસ ઓપરેન્ડી બહાર આવી છે.
ઘાટલોડિયા વિસ્તારમાં ૨૮ વર્ષિય પ્રદીપ રામસુમેર વિશ્વકર્મા પોતાના ભાઇ સાથે રહે છે અને ફર્નિચરનું કામ કરે છે. ૨૩ ઓગસ્ટના રોજ સાંજે છ વાગ્યે પ્રદીપે ફતેહવાડી વિસ્તારમાં કામ પૂરું કરી રિક્ષામાં ગુપ્તાનગર સુધી ગયો હતો. ત્યારબાદ બીજી રિક્ષામાં બેસી તે થલતેજ તરફ જવા નિકળ્યો હતો. ત્યારે રિક્ષામાં ચાલક સિવાય પહેલાંથી જ બે વ્યક્તિઓ બેઠેલા હતા.
આઠ વાગ્યાની આસપાસ રિક્ષા અલગ અલગ રસ્તેથી નારોલ તરફ થઇ રહી હતી. ત્યારબાદ ચાલકે અચાનક જ કોઝી હોટલ પાસે રિક્ષા ઊભી રાખી દીધી હતી અને પાછળ પેઠેલા શખ્સે છરી ગળા પર મૂકી કહ્યું હતું કે, તારી પાસે જે હોય તે આપી દે. ત્યારબાદ ખિસ્સામાં પડેલા ૨ હજાર રૂપિયા લઇ લીધા હતા. બાદમાં તેમણે બીજા પૈસા પણ માગ્યા હતા. પરંતુ પ્રદીપ પાસે બીજા પૈસા ન હતા.
તેથી ગુગલ પે મારફતે પૈસા ચૂકવી આપ તેવું દબાણ કર્યું હતું. બાદમાં તેઓ એક દુકાન ખાતે પ્રદીપને લઇ ગયા હતા અને છરીની અણીએ ૧૮ હજાર રૂપિયા ગુગલ પેથી દુકાનદારને ટ્રાન્સફર કરાવ્યા હતા. પછી ત્યાંથી તે પૈસા રોકડા મેળવી લીધા હતા.
ફરી પ્રદીપને રિક્ષામાં બેસાડ્યો હતો અને રસ્તામાં ઉતારી ત્યાંથી પલાયન થઇ ગયા હતા. આ ઘટના બાદ પ્રદીપ ગભરાયો હતો અને જેમ તેમ કરી ઘરે પહોંચ્યો હતો. જો કે, તેને રિક્ષા નંબર જોઇ લીધો હતો. જેથી તેણે આ મામલે દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.SS1MS