CISF દ્વારા પ્રથમવાર સંપૂર્ણ મહિલા કમાંડો યુનિટની રચના

AI Image
8 સપ્તાહનો અદ્યતન કમાંડો કોર્સ મહિલાઓને ક્વિક રિએક્શન ટીમ (QRT) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) માટે તૈયાર કરશે-મહિલાઓને ફ્રન્ટલાઇન ઓપરેશનલ ભૂમિકામાં લાવવાનો પ્રયાસ
રાજપીપલા, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)માં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ નીતિગત પગલા રૂપે તેની મુખ્ય કામગીરીમાં પ્રથમવાર સંપૂર્ણ મહિલા કમાંડો ટીમનો સમાવેશ કરવા જઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, નર્મદા જિલ્લામાં આવેલા વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષાની જવાબદારી હાલ CISF પાસે જ છે.
મહિલા કમાંડોઝની તાલીમ મધ્યપ્રદેશના બરવાહા સ્થિત રીજનલ ટ્રેનીંગ સેન્ટર (RTC) ખાતે શરૂ થઈ ગયું છે. આ 8 સપ્તાહનો અદ્યતન કમાંડો કોર્સ મહિલાઓને ક્વિક રિએક્શન ટીમ (QRT) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) માટે તૈયાર કરશે.
તાલીમમાં શારીરિક ક્ષમતા અને શસ્ત્રો ચલાવવાના પ્રયોગો, તણાવની પરિસ્થિતિમાં ફાયરિંગ, દોડ, અવરોધક કોર્સ, રેપેલિંગ, જંગલમાં સર્વાઈવલ તાલીમ અને 48 કલાકનો આત્મવિશ્વાસ વિકાસ કાર્યક્રમ સામેલ છે, જે મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેવાની ક્ષમતા અને ટીમ વર્કની કસોટી કરશે.
પ્રથમ બેચની 30 મહિલાઓ—જે હાલમાં વિવિધ એરપોર્ટ્સ પર ફરજ બજાવે છે. તેમને 11 ઓગસ્ટથી 4 ઓક્ટોબર-2025 સુધી તાલીમ આપવામાં આવશે. બીજી બેચ 6 ઓક્ટોબરથી 29 નવેમ્બર 2025 સુધી તાલીમ લેશે. પ્રારંભિક તબક્કામાં ઓછામાં ઓછા 100 મહિલાઓ, જે અલગ-અલગ એવિએશન સિક્યુરિટી ગ્રુપ્સ (ASGs) અને સંવેદનશીલ CISF યુનિટ્સમાં તહેનાત છે, તેઓ આ તાલીમ કાર્યક્રમ પૂર્ણ કરશે.
આવા સંપૂર્ણ મહિલા કોર્સ, ફોર્સના ટ્રેનીંગ કેલેન્ડરનો નિયમિત ભાગ બની રહેશે. તાલીમ પછી તેઓને મુખ્યત્વે એરપોર્ટ્સ પર અને ત્યારબાદ અન્ય સંવેદનશીલ સ્થળો પર તહેનાત કરવામાં આવશે. મહિલાઓનો સમાવેશ CISFની અગ્રહરોળમાં કરીને ફોર્સે સ્રી-પુરૂષ સમાનતા તરફ એક મોટું પગલું ભર્યું છે. મહિલાઓએ એવા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે, જે અત્યાર સુધી પુરુષો માટે જ મર્યાદિત હતો.
CISF ગૃહ મંત્રાલયના 10 ટકા મહિલાઓના પ્રતિનિધિત્વના લક્ષ્યને હાંસલ કરવા માટે ભરતીમાં પણ વધારો કરી રહ્યું છે. હાલમાં CISFમાં 12,491 મહિલાઓ છે (જે કુલ સંખ્યાના 8 ટકા છે), વર્ષ 2026માં વધુ 2,400 મહિલાઓની ભરતી કરાશે. આવતા વર્ષોમાં ભરતીની રચના એવી રીતે કરવામાં આવશે કે મહિલાઓ હંમેશાં ઓછામાં ઓછા 10 ટકા ભાગ બની રહે.
આ સાથે CISF તમામ સશસ્ત્ર સંગઠનોમાં અગ્રણી દળ તરીકે આગળ વધી રહ્યું છે. જેમાં મહિલાઓને માત્ર સંખ્યામાં નહીં પરંતુ જવાબદારીભર્યા કાર્યક્ષેત્રોમાં પણ સશક્ત બનાવી રહ્યું છે.