કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે ગણપતિ મહોત્સવનો શુભારંભઃ 5 સપ્ટેમ્બરે વિસર્જન

દરરોજ પૂજન-અર્ચન, આરતી સહિતના કાર્યક્રમો યોજાશે, 5 સપ્ટેમ્બરના રોજ ગણપતિ વિસર્જન થશે
કાગવડ, રાજકોટ : આજે ભાદરવા સુદ-4 થી ઠેર ઠેર ગણપતિ મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિશ્વપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે શ્રી ખોડલધામ મંદિર સ્ટાફ દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવી છે
અને ગણપતિ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજે સવારે વાજતે ગાજતે ગણપતિજીની મૂર્તિના સામૈયા કરવામાં આવ્યા હતા. શ્રી ખોડલધામ મંદિર સ્ટાફ દ્વારા વિશાળ પંડાલ બનાવી તેમાં 8 ફૂટ ઉંચી ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ ગણપતિ પંડાલને આકર્ષક રીતે શણગારવામાં આવ્યો છે.
શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં આજે 27 ઓગસ્ટથી ગણપતિ મહોત્સવનો ભવ્ય શુભારંભ થયો છે જ્યારે 5 સપ્ટેમ્બરના રોજ ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે. ત્યારે મંદિરે દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ અને જાહેર જનતાને આ ગણપતિ મહોત્સવમાં પધારી દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.