ટ્રેલરમાંથી કન્ટેનર રોડ પર પટકાતા ૩ મિત્રોના મોત

(એજન્સી)ભૂજ, કચ્છમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અંજાર-મુન્દ્રા હાઈવે પર રસ્તે દોડતા એક ચાલુ ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડી જતાં કરુણાંતિક સર્જાઈ. જેમાં સ્કૂટર પર જતા ૩ લોકોના અડફેટે આવી જતાં મોત નિપજતાં માતમ છવાઈ ગયું છે.
માહિતી અનુસાર આ કન્ટેનર લોક ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા.
મળતી માહિતી અનુસાર, આ ઘટના બાદ રસ્તાની હાલત લોહીલુહાણ થઇ ગઈ હતી. ગમખ્વાર અકસ્માતને પગલે ઘટનાસ્થળે હાજર લોકો પણ ધ્રૂજી ઊઠ્યા હતા અને તેમણે તાત્કાલિક ઈમરજન્સી સર્વિસ અને પોલીસને જાણકારી આપી હતી.
જેના બાદ કન્ટેનર હટાવીને દબાઈ ગયેલા ત્રણેય લોકોના મૃતદેહોને કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. આ તમામ મૃતકોના મૃતદેહોને અંજારની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃત્યુ પામનાર યુવાનોમાં એકનું નામ નૈતિક અને બીજાનું નામ અભિષેક છે. જ્યારે ત્રીજા યુવાનની ઓળખ પ્રક્રિયા ચાલુ છે. ત્રણેય યુવાનો મિત્રો હતા અને અકસ્માત સમયે એકસાથે પોતાના કામ અર્થે સ્કૂટર લઈ જઈ રહ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસ દ્વારા ટ્રેલરના ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.