Western Times News

Gujarati News

આ દેશમાં બાળકો શાળાઓમાં ફોનનો ઉપયોગ કરી શકશે નહીં

દક્ષિણ કોરિયામાં બાળકો અને કિશોરોમાં સ્માર્ટફોનની વધતી આદતને રોકવા માટે પગલું લેવામાં આવ્યું છે-દક્ષિણ કોરિયામાં એક નવો કાયદો પસાર કરવામાં આવ્યો

દક્ષિણ કોરિયા,  આજના ડિજિટલ યુગમાં બાળકોના હાથમાં સ્માર્ટફોન હોવો એક સામાન્ય બાબત બની ગઈ છે. ધીમે-ધીમે બાળકોમાં સ્માર્ટફોનની આદત વધી રહી છે. આ આદત તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેમજ તેમના સામાજિક અને શૈક્ષણિક વિકાસને અવરોધે છે.

આ ઉપરાંત આજકાલ ઘણી શાળાઓમાં બાળકોને સ્માર્ટફોન લાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન એક દેશે એવો કાયદો પસાર કર્યો છે કે, જ્યાં હવે બાળકો શાળાઓમાં ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. ચાલો જાણીએ આ નિર્ણય અને તેની પાછળના કારણો વિશે…

દક્ષિણ કોરિયામાં એક નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ માર્ચ ૨૦૨૬થી શાળાઓમાં ક્લાસ દરમિયાન બાળકો મોબાઇલ ફોન અને અન્ય સ્માર્ટ ડિવાઈસનો ઉપયોગ કરી શકશે નહીં. બાળકો અને કિશોરોમાં સ્માર્ટફોનની વધતી આદતને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

આ કાયદા પછી દક્ષિણ કોરિયા એવા ગણ્યાગાંઠ્યા દેશોમાં સામેલ થઈ ગયું છે જ્યાં કડક કાયદા દ્વારા મોબાઇલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, અપંગ વિદ્યાર્થીઓને હજુ પણ અભ્યાસ માટે ડિજિટલ ડિવાઈસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે.

આ કાયદો માર્ચ ૨૦૨૬થી અમલમાં આવશે, જેના કારણે શાળાઓ અને શિક્ષણ અધિકારીઓને તેની તૈયારી કરવા અને જરૂરી પ્રોટોકોલ બનાવવા માટે ઘણા મહિનાઓનો સમય મળશે. કાયદા ઘડનારાઓ, વાલીઓ અને શિક્ષકો માને છે કે, સ્માર્ટફોનનો ઉપયોગ વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખરાબ અસર કરી રહ્યો છે અને તેમનો સમય બગડી રહ્યો છે. જો કે, કેટલાક વિદ્યાર્થીઓ આ નિર્ણય સાથે સહમત નથી. તેઓ તેનો અમલ કેવી રીતે થશે, તેના પરિણામો શું હશે અને શું તે ખરેખર મોબાઇલની આદતના મૂળ કારણને દૂર કરવામાં સક્ષમ હશે તે અંગે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.

સર્વે અનુસાર દક્ષિણ કોરિયા દુનિયાના સૌથી વધુ ડિજિટલી કનેક્ટેડ દેશોમાંથી એક છે. અમેરિકાના પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૭ દેશો પર કરવામાં આવેલા સર્વેમાં દક્ષિણ કોરિયામાં ૯૯% લોકો ઓનલાઈન હતા અને ૯૮% લોકો પાસે સ્માર્ટફોન હતો.

આ આંકડો અન્ય તમામ દેશોમાં સૌથી વધુ હતો. દક્ષિણ કોરિયા ઉપરાંત ફ્રાન્સ, ફિનલેન્ડ, ઇટલી, નેધરલેન્ડ અને ચીન જેવા દેશોની શાળાઓમાં ફોન પર પ્રતિબંધ છે. જો કે, દરેક દેશમાં તેના નિયમો અલગ છે. જો આપણે ફ્રાન્સનું ઉદાહરણ લઈએ, તો અહીં પ્રતિબંધ મુખ્યત્વે નાના બાળકો પર લાગુ પડે છે.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં કિશોરો માટે સોશિયલ મીડિયા પર પહેલાથી જ લગાડવામાં આવેલા પ્રતિબંધને લંબાવ્યો છે. એક સ્ટડી અનુસાર જુલાઈમાં નેધરલેન્ડ્‌સની શાળાઓમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધથી વિદ્યાર્થીઓનું અભ્યાસમાં ધ્યાન સુધરી ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.