સાણંદ ખાતે CG Semiનું પ્રથમ OSAT ફેસિલિટી શરૂ: ₹7,600 કરોડનું રોકાણ

અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે સાણંદ ખાતે CG Semi કંપનીની અદ્યતન Outsourced Semiconductor Assembly and Test (OSAT) ફેસિલિટીનો ‘પ્રારંભ’ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવાની ગુજરાતની યાત્રામાં સીમાચિહ્નરૂપ આજના અવસરે જણાવ્યું હતું કે, ભારત સરકારની મંજૂરી બાદ એક વર્ષથી પણ ઓછા સમયમાં શરૂ થવા જઈ રહેલ આ પ્લાન્ટની શરૂઆતથી આવનાર વર્ષોમાં ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગ્લોબલ લીડર બનવામાં મદદ મળશે.
તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય હોવાનું ગૌરવ વ્યક્ત કરી, બેસ્ટ લોજિસ્ટિક ફેસિલિટીઝ અને પોલિસી ડ્રિવન ગવર્નન્સના કારણે ગુજરાત ‘બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન’ બન્યું હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ કરી, આત્મનિર્ભરતા થકી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
મુરુગપ્પા ગ્રુપની કંપની CG Power and Industrial Solutions Limitedની સહાયક સંસ્થા CG Semi Private Limitedએ આજે સાણંદ ખાતે દેશનું પ્રથમ Outsourced Semiconductor Assembly and Test (OSAT) ફેસિલિટી શરૂ કરવાની જાહેરાત કરી. આ સાથે CG Semi ભારતની પ્રથમ સંપૂર્ણ સેવા આપતી OSAT પ્રદાતાઓમાંથી એક બની છે, જે પરંપરાગત તેમજ અદ્યતન પેકેજિંગ ટેકનોલોજીમાં સોલ્યુશન્સ પૂરા પાડશે. આ પહેલ ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં તેમજ વૈશ્વિક બજારોમાં સેવા આપવા દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગ સાથે તેમજ Renesas અને Stars Microelectronics સાથે ભાગીદારીમાં કંપની આગામી પાંચ વર્ષમાં આશરે ₹7,600 કરોડ (USD 870 મિલિયન)નું રોકાણ કરીને સાણંદમાં બે અદ્યતન ફેસિલિટી – G1 અને G2 – વિકસાવશે.
આજે ઉદ્ઘાટિત થયેલી G1 ફેસિલિટીમાં દરરોજ આશરે 0.5 મિલિયન યુનિટના પીક ક્ષમતા સુધી ચિપ એસેમ્બલી, પેકેજિંગ, ટેસ્ટિંગ અને પોસ્ટ-ટેસ્ટ સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ ફેસિલિટીમાં હાઈ-યિલ્ડ ઇક્વિપમેન્ટ, અદ્યતન Manufacturing Execution System (MES), તેમજ ઇન-હાઉસ લેબ્સ દ્વારા રિલાયબિલિટી અને ફેલ્યોર એનાલિસિસ સુવિધાઓ ઉપલબ્ધ છે. હાલમાં આ ફેસિલિટી ISO 9001 અને IATF 16949 પ્રમાણપત્ર પ્રક્રિયામાં છે. ગ્રાહકો માટે પેકેજીસના ક્વોલિફિકેશન રન ઉદ્ઘાટન બાદ શરૂ થશે અને કંપનીએ ISMને આપેલી પ્રતિબદ્ધતા મુજબ કેલેન્ડર વર્ષ 2026માં વ્યાપારી ઉત્પાદન શરૂ થશે.
G1થી આશરે 3 કિ.મી. દૂર સ્થિત G2 ફેસિલિટીનું બાંધકામ ચાલી રહ્યું છે, જે 2026ના અંત સુધી પૂર્ણ થવાની ધારણા છે. કાર્યરત થયા બાદ G2 દરરોજ આશરે 14.5 મિલિયન યુનિટની ક્ષમતા ધરાવશે. આ બંને ફેસિલિટીઓ સાથે મળીને આવતા વર્ષોમાં 5,000થી વધુ સીધી અને પરોક્ષ રોજગારી સર્જાશે.
ઉદ્ઘાટન પ્રસંગે CG Powerના ચેરમેન શ્રી વેલલયન સુબ્બૈયાહે જણાવ્યું: “આ ફેસિલિટી માત્ર મારા માટે કે CG Semi માટે માઈલસ્ટોન નથી, પરંતુ રાષ્ટ્રીય માઈલસ્ટોન છે. આ સાબિત કરે છે કે સરકાર અને ઉદ્યોગ સાથે મળી આત્મવિશ્વાસ, મૂડી અને મોટા પાયે રોકાણ સાથે આપણા માનનીય વડાપ્રધાનશ્રીના વિઝનને સાકાર કરી શકે છે. અહીં તૈયાર થતો દરેક ચિપ ભારતની ટેકનોલોજીકલ સાવરેનિટી તરફનું એક પગલું છે.”
સીજી પાવરના ચેરમેન શ્રી વેલાયન સુબય્યાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પ્રારંભ માત્ર સીજી પાવર માટે જ નહિ સમગ્ર દેશ માટે એક માઇલસ્ટોન બની રહેશે. આ પ્લાન્ટના પ્રારંભ સાથે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર બનશે.
સીજી સેમીના ચેરમેન શ્રી ગિરીશ ચતુર્વેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડીએસટીના સચિવ શ્રીમતી પી. ભારતીએ ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સરકારની પહેલો અને કામગીરીની પ્રગતિ અંગે વાત કરી હતી.
આ પ્રસંગે સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, ભારત સરકારના ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી વિભાગના જોઈન્ટ સેક્રેટરી શ્રી સુશીલ પાલ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી મમતા વર્મા, ગુજરાત રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી પી. ભારતી, સીજી સેમીના સીઇઓ જેરી એગેન્સ્ટ તેમજ વોઈસ પ્રેસિડેન્ટ ઉપરાંત સીજી સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ તેમજ પ્લાન્ટ પર કાર્યરત અધિકારી -કર્મચારીઓ હાજર રહ્યા હતા.