જે લારી પિતાએ આખી જિંદગી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવ્યું તે જ લારી પર બાળકોને મૃતદેહ લઈ ભટકવું પડ્યું

પિતાના મૃત્યુ બાદ બાળકોને આશા હતી કે સંબંધીઓ કે પાડોસીઓ તેમને મદદ કરશે, પરંતુ કોઈએ મદદનો હાથ ન લંબાવ્યો-અંતિમ સંસ્કાર માટે તેમના બાળકો ભીખ માંગતા રહ્યા,
બે મુસ્લિમ ભાઈએ માનવતાની મિશાલ રજૂ કરી-લારી પર પિતાનો મૃતદેહ મૂકી મદદ માગતા રહ્યા બે માસૂમ પણ કોઈએ મદદ ના કરી
મહારાજગંજ, ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં ભારત-નેપાળ સરહદ નજીક નૌતનવામાં એક હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યું. આ દ્રશ્યએ માનવતાને હચમચાવી મૂકી. ત્રણ માસૂમ બાળકો બે દિવસ સુધી તેમના પિતાના મૃતદેહને લારી પર લઈને ભટકતા રહ્યા.
ક્યારેક સ્મશાનગૃહમાંથી તેમને ધક્કો મારીને કાઢી મુક્યા તો ક્યારેક તેમને કબ્રસ્તાનથી પાછા મોકલી દીધા. જ્યારે બધા દરવાજા બંધ થઈ ગયા ત્યારે, બે મુસ્લિમ ભાઈઓ માનવતાની મિશાલ રજૂ કરી. તેમણે લાકડા અને સામગ્રીની વ્યવસ્થા કરી અને હિન્દુ વિધિ પ્રમાણે મૃતકના અંતિમ સંસ્કાર કરાવ્યા.
ભારત-નેપાળ સરહદના નૌતનવાના રાજેન્દ્ર નગરના રહેવાસી લવ કુમાર પટવાનું શનિવારે લાંબી બીમારી બાદ નિધન થઈ ગયુ હતું. તેમની પત્નીનું છ મહિના પહેલા નિધન થઈ ગયુ હતું. હવે ૧૪ વર્ષનો રાજવીર, ૧૦ વર્ષનો દેવરાજ અને એક પુત્રી પરિવારમાં એકલા જ રહી ગયા છે.
પિતાના મૃત્યુ બાદ બાળકોને આશા હતી કે સંબંધીઓ કે પાડોસીઓ તેમને મદદ કરશે, પરંતુ કોઈએ મદદનો હાથ ન લંબાવ્યો. મૃતદેહ બે દિવસ સુધી ઘરમાં રહ્યો, પછી મજબૂરીમાં બાળકોએ પોતાના પિતાના મૃતદેહને લારી પર મૂકીને અંતિમ સંસ્કાર માટે લઈ જવાનું નક્કી કર્યું.
જ્યારે બાળકો પોતાના પિતાના મૃતદેહને લઈને સ્મશાનગૃહ પહોંચ્યા, ત્યારે લાકડાના અભાવે અંતિમ સંસ્કાર કરવાથી તેમને રોકી દીધા. લાચાર નિર્દોષ બાળકો મૃતદેહ લઈને કબ્રસ્તાન પહોંચ્યા તો ત્યાં પણ હિન્દુ મૃતદેહ હોવાનું કહીને તેમને દફનાવવાનો ઈનકાર કરી દીધો. લારી પર રાખેલો મૃતદેહ અને તેની સાથે રડતા નિર્દોષોને જોઈને પસાર થતા લોકોની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ કોઈ મદદ માટે આગળ ન આવ્યું.
જે લારીને આખી જિંદગી ચલાવીને લવ કુમાર પટવાએ પરિવારનું ગુજરાન ચલાવ્યું હતું, તે જ લારી પર તેમના અંતિમ સંસ્કાર માટે તેમના બાળકો ભીખ માંગતા રહ્યા, પરંતુ લોકો બાળકોની પીડાને સમજ્યા વિના તેને ભીખ માંગવાનો નવો ટ્રેન્ડ ગણાવીને આગળ વધતા રહ્યા, પરંતુ ત્યારે બીજા ધર્મના બે યુવાનોએ આગળ આવીને માનવતાની મિસાલ રજૂ કરી.
આ દરમિયાન નગર પાલિકાના બિસ્મિલ નગર વોર્ડ કાઉન્સિલર પ્રતિનિધિ રાશિદ કુરેશી અને રાહુલ નગર વોર્ડ કાઉન્સિલર વારિસ કુરેશીને ઘટનાની જાણ થઈ. તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને બાળકોની સંભાળતા લાકડા અને અન્ય જરૂરી સામગ્રીની વ્યવસ્થા કરી. બંને મુસ્લિમ ભાઈઓ મૃતદેહને સ્મશાનગૃહમાં લઈ ગયા અને મોડી રાત સુધી હિન્દુ વિધિ પ્રમાણે લવ કુમાર પટવાના અંતિમ સંસ્કાર કર્યા.
અંતિમ સંસ્કાર પછી બંને ભાઈઓ બાળકોને સુરક્ષિત રીતે ઘરે મૂકીને પાછા ફર્યા. રાજવીર અને દેવરાજની આંખોમાં આંસુ હતા, પરંતુ તેમને એ વાતનો સંતોષ પણ હતો કે મારા પિતાને સન્માનજનક વિદાય મળી. આ દુઃખદ ઘટનાએ સમાજને હચમચાવી મુક્યો છે. એક તરફ જ્યાં લોકો મુસ્લિમ ભાઈઓની માનવતાને સલામ કરી રહ્યા છે, તો બીજી તરફ સંબંધીઓ અને પડોસીઓની ઉદાસીનતા અને નગરપાલિકાની બેદરકારી પર ગુસ્સો પણ ઠાલવી રહ્યા છે.
લવ કુમાર પટવાના દીકરા રાજવીરે જણાવ્યું કે, જ્યારે પિતાની તબિયત ખરાબ થઈ તો અમે તેમને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં તેમની સારવાર કરવામાં આવી અને ઘરે લાવવામાં આવ્યા. તેઓ થોડા દિવસ જીવ્યા પણ પછી તેમનું નિધન થઈ ગયું. અમે મૃતદેહને લારી પર રાખ્યો અને રાહ જોઈ. અમને લાગ્યું કે, સંબંધીઓ આવશે પણ કોઈ ન આવ્યું.
એક દિવસ પછી અમે મૃતદેહને સ્મશાનગૃહમાં લઈ ગયા પરંતુ લાકડા ન હતા તેથી અમે કહ્યું કે, દફનાવી દેવા દો, તો તેમણે કહ્યું કે અહીં સળગાવવામાં આવે છે દફનાવવા માટે કબ્રસ્તાનમાં લઈ જાઓ. જ્યારે અમે ત્યાં ગયા, ત્યારે તેઓએ કહ્યું કે આ હિન્દુ મૃતદેહ છે તેથી તેને સ્મશાનગૃહમાં લઈ જાઓ.
પછી અમે મૃતદેહને રસ્તા પર લઈ આવ્યા. અમે ત્યાં ભીખ માંગવા લાગ્યા. લોકો ત્યાંથી પણ અમને ભગાડવા લાગ્યા. પછી રાશિદ ભૈયાને કોઈની પાસેથી માહિતી મળી અને તેઓ આવ્યા અને હિન્દુ વિધિ મુજબ અંતિમ સંસ્કાર કરાવ્યા.
મદદગાર રાશિદ કુરેશીએ જણાવ્યું કે, મને સાંજે એક નંબર પરથી ફોન આવ્યો કે છપવા તિરાહા પર બાળકો એક મૃતદેહને લારી પર રાખીને મદદ માંગી રહ્યા છે પરંતુ કોઈ મદદ નથી કરી રહ્યું. ત્યારબાદ હું ઘટનાસ્થળે પહોંચ્યો. મેં જોયું કે લારી પર રાખેલ મૃતદેહ સંપૂર્ણપણે ફૂલી ગયો હતો. તેમાંથી દુર્ગંધ આવી રહી હતી. જેના કારણે લોકો તેની નજીક પણ નહોતા જતા. અમે હિન્દુ વિધિ પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરાવ્યા.