Western Times News

Gujarati News

રાજ્યભરમાં તા. ૨૨ ઓગસ્ટથી ૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ‘આદિ કર્મયોગી વિશેષ’ અભિયાન ચાલશે

ગાંધીનગર ખાતે તા. ૨૫ થી ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન ‘આદિ કર્મયોગી વિશેષ’ અભિયાન સંદર્ભે ત્રિદિવસીય વર્કશોપ યોજાયો

આદિ કર્મયોગી અભિયાન ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન

• આદિજાતિ વિસ્તારોનો વિકાસ અને નાગરીકોને રોજગારી આપવાના હેતુસર જિલ્લાથી લઈને પંચાયત કક્ષા સુધીના કુલ ૨૦ લાખ યુવાનોને તૈયાર કરાશે
• આ કર્મયોગીઓ આરોગ્ય, શિક્ષણ, રોડ, અને વીજળી જેવા મૂળભૂત જરૂરીયાતોને પૂર્ણ કરવાની કામગીરીમાં મદદ કરશે
• ગુજરાતમાં ૧૫ જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ અને ૪૨૪૫ ગામડાઓમાં આદિ કર્મયોગી અભિયાન ચલાવાશે

Ahmedabad, સેવા, સમર્પણ અને સુશાસનની ભાવના સાથે આદિવાસી વિસ્તારોમાં સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય અને છેવાડાના નાગરીકો સુધી યોજનાકીય લાભ પહોંચાડવાના આશય સાથે રાજ્યભરમાં તા. ૨૨ ઓગસ્ટથી ૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી આદિ કર્મયોગી વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. આ સંદર્ભે આદિજાતિ નિયામક શ્રી આશિષકુમારની અધ્યક્ષતામાં તા. ૨૫ થી ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન ગાંધીનગર ખાતે કેન્દ્રીય આદિજાતિ મંત્રાલય, ગુજરાત સરકારના આદિજાતિ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ માટે ત્રિદિવસીય વર્કશોપ યોજાયો હતો.

ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ વિકાસ કાર્યોનો આદિવાસી વિસ્તારના લાભાર્થીને લાભ મળે તે હેતુથી જિલ્લા કક્ષાએ એક એક આદિ કર્મયોગીને તાલીમ અપાશે. જેમાં તાલુકાના વિવિધ વિભાગોના કર્મચારીઓને પણ આદિ કર્મયોગીની તાલીમ અપાશે. આ મુજબ જ પંચાયત કક્ષા સુધી કુલ ૨૦ લાખ યુવાનોને તૈયાર કરાશે. આ તાલીમ થકી આદિવાસી વિસ્તારોનો વિકાસ તેમજ નાગરીકોને રોજગારી મળે તેવી વ્યવસ્થા ઊભી કરાશે.

આ અભિયાનનો હેતુ ૨૦ લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો છે. જેમાં એક લાખ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામડાઓ, ૩,૦૦૦ આદિવાસી તાલુકાઓ, ૫૫૦ થી વધુ આદિવાસી જિલ્લાઓ, ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતમાં સવિશેષ વસ્તી ધરાવતા ૧૫ જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ અને ૪૨૪૫ ગામડાઓમાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત કામગીરી કરાશે. આ મિશન બહુ વિભાગીય સંકલનને પ્રેરિત કરે છે, સહભાગી શાસનને વધુ ગાઢ બનાવે છે અને નીચેથી ઉપર નાગરીકો દ્વારા સંચાલિત શાસન પ્રણાલી દ્વારા જાહેર સંસ્થાઓમાં વિશ્વાસ પુનઃ નિર્માણ કરે છે.

ભારતના ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વસવાટ કરતા ૧૦.૫ કરોડથી વધુ આદિવાસી નાગરિકોનો આ અભિયાનમાં સમાવેશ થાય છે. તેઓ સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ભૌગોલિક વિસ્તારમાં રહે છે. દાયકાઓથી થતા નાણાકીય ખર્ચ અને બહુ વિવિધ યોજનાઓના અમલીકરણ છતાં આદિવાસી સમુદાયનું આરોગ્ય, શિક્ષણ, પોષણ, આજીવિકા, પાણીની ઉપલબ્ધતા, શાસન વ્યવસ્થામાં પહોંચમાં પ્રણાલીગત અંતર યથાવત છે. આ કાયમી પડકારોનો સામનો કરવા અને વડાપ્રધાનશ્રીના છેલ્લા માઈલ સુધીના શાસન અને લોક કેન્દ્રિત વિકાસના વિઝનને પૂર્ણ કરવા માટે આદિવાસી વિભાગ દ્વારા આદી કર્મયોગી અભિયાન શરૂ કરાયું છે. જે આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિતરણમાં ધરમૂળથી પરિવર્તન લાવશે.

આ કર્મયોગીઓ આરોગ્ય, શિક્ષણ, રોડ, અને વીજળી જેવા મૂળભૂત જરૂરીયાતો પૂર્ણ કરવાની કામગીરીમાં મદદ કરશે. આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે. આ અભિયાનનો ઉદ્દેશ ભારતના આદિવાસી વિસ્તારોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે. આ અભિયાનમાં પ્રધાનમંત્રી જનજાતિય આદિવાસી મહા અભિયાન (PM-JANMAN) અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA) ના વ્યાપક માળખા સાથે જોડાયેલું છે.

આ અભિયાનમાં આદિવાસી નાગરિકોને વિકાસના સક્રિય સહ-નિર્માતાઓમાં રૂપાંતરિત કરવાના છે. આ અભિયાન આદિવાસીઓની આકાંક્ષાઓની મૂળભૂત પ્રણાલીઓ અને લોક કેન્દ્રિત શાસન વ્યવસ્થાઓને સંસ્થાકીય બનાવવાનો પ્રયાસ કરાશે.

આ વર્કશોપના સમાપન પ્રસંગે નિયામકશ્રીએ આદિ કર્મયોગી અભિયાન વિશે ઉંડાણમાં સમજ આપી હતી. આ કાર્યક્રમમાં આદિજાતિ વિભાગના સંયુક્ત સચિવ, કાર્યપાલક નિયામક ડો. સી. સી. ચૌધરી તથા આદિજાતિ વિકાસ વિભાગ અને સંબંધિત વિભાગના ૭૦ થી વધુ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.