ઉત્તરપ્રદેશથી ચરસનો જથ્થો ગાડીના બોનેટમાં લાવી ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ

વસ્ત્રાલ રીંગ રોડ પરથી ૧૯ કિલો ચરસ સાથે બે શખ્સો ઝડપાયા
અમદાવાદ, અમદાવાદ ક્રાઇમબ્રાંચે શહેરના વસ્ત્રાલ રીંગ રોડ પાસે એક શંકાસ્પદ કારમાંથી રૂપિયા ૨૯ લાખની કિંમતનો ૧૯ કિલો ચરસનો જથ્થો જપ્ત કરીને કારચાલકની ધરપકડ કરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં રહેતા અને ડ્રગ્સનો કારોબાર કરતા બે શખ્સો કારના બોનેટમાં છુપાવીને ચરસનો જથ્થો લાવ્યા હતા અને અમદાવાદમાં કોઇ વ્યક્તિને આપવાના હતા. આ અંગે ક્રાઇમબ્રાચે કાર સહિત કુલ ૩૩ લાખનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ક્રાઇમબ્રાંચના પીઆઇ એસ.જે.જાડેજા અને તેમનો સ્ટાફ મંગળવારે રાતના સમયે વસ્ત્રાલ રીંગ રોડના સર્વિસ રોડ પર પસાર થતા હતા. ત્યારે એક એસયુવી કારમાં ચાલક શકમંદ હાલતમાં હતો. તપાસ કરતા કારચાલકે તેનું નામ વિવેક કુશવાહ (રહે. કાનપુર, ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. પરંતુ, તે ગુજરાત શા માટે આવ્યો છે?
તે અંગે પુછતા તેણે જણાવ્યું હતું કે તે અન્ય બે વ્યક્તિઓ સાથે અમદાવાદ આવ્યો છે. જે થોડીવારમાં આવવાનું કહીને બહાર ગયા છે. જેથી તપાસ કરતા નજીકમાં કોઇ વ્યક્તિઓ મળી આવી નહોતી. સાથેસાથે પોલીસને કારમાં કંઇક છુપાવ્યાની શંકા જતા તપાસ કરી ત્યારે બોનેટમાં છુપાવેલા ૩૮ જેટલા પેકેટ મળી આવ્યા હતા. જે અંગે કારચાલકની પુછપરછ કરતા તેણે કબુલ્યું હતું કે કારના બોનેટમાં છુપાવેલો જથ્થો ચરસનો છે.
તે કાર ડ્રાઇવીંગનો વ્યવસાય કરે છે. ઉત્તરપ્રદેશના કાનપુર સુજાનપુરમાં રહેતા વિમલ રાજપુત અને અજય નામની વ્યક્તિ ઉત્તરપ્રદેશથી ચરસનો જથ્થો તેની કારમાં લાવ્યા હતા અને અંકલેશ્વર રોકાયા હતા. ત્યાં અમદાવાદ આવીને અન્ય કોઇને ચરસ આપવાના હતા. પરંતુ, તે પૂર્વે પોલીસે કાર ઝડપી લીધી હતી. બીજી તરફ વિમલ અને અજય પોલીસને જોઇને ફરાર થઇ ગયા હતા. આ અંગે ક્રાઇમબ્રાંચે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.