Western Times News

Gujarati News

અમદાવાદમાં ખાનગી બોરની સંખ્યા મામલે કમિશનર કોપાયમાન

AI Image

એક આસિ. કમિશનરને શોકોઝ: ત્રણ ડેપ્યુટી કમિશનરને આડા હાથે લીધા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વકરી રહેલા પાણીજન્ય રોગચાળા મામલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હાથ ઉંચા કરી દીધા છે અને ઈજનેર વિભાગને જવાબદાર સાબિત કરવા પ્રયાસ થઈ રહયા છે.

આ મુદ્દે છેલ્લા એક મહિનાથી કમિશનરની અધ્યક્ષતામાં મળતી રીવ્યુ બેઠકમાં ચર્ચા થાય છે પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી તેથી ગુરૂવારે મળેલી રીવ્યુ બેઠકમાં કમિશનરે આરોગ્ય અને ઈજનેર વિભાગના અધિકારીઓને આડા હાથે લીધા હતાં.

શહેરના દક્ષિણ ઝોનના લાંભા, વટવા, બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડમાં પાણીજન્ય રોગચાળાએ માઝા મુકી છે. કમિશનરની અધ્યક્ષતામાં મળતી વીકલી બેઠકમાં આ મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ હતી. કમિશનરે દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનરને આ અંગે સીધો પ્રશ્ન કરી પુછયું હતું કે પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તેમના દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે તેમજ તેમના ઝોનમાં કેટલા ખાનગી બોર છે.

આ અંગે ચોક્કસ જવાબ ઝોનના ડેપ્યુટી કમિશનર આપી શક્યા ન હતાં તેથી કમિશનરે ખાનગી બોર મામલે સીટી ઈજનેર (વો.રી.)ને સવાલ કર્યાં હતાં તેમજ ખાનગી બોરમાં કલોરિન ડોઝીયર કેમ લગાવવામાં આવ્યા નથી તે અંગે પણ વિગત માંગી હતી

જેના જવાબમાં સીટી ઈજનેરે જણાવ્યું હતું કે તમામ ખાનગી સોસાયટીઓના બોરની વિગત એકત્રિત કરવી થોડી મુશ્કેલ છે અને કલોરીન ડોઝીયર લગાવવા માટે બે-ત્રણ એજન્સીઓનો સંપર્ક કર્યો હતો પરંતુ આ કામ સમય માંગે તેમ છે. જોકે કમિશ્નર તેમની આદત મુજબ કાંઈજ સાંભળવા તૈયાર ન હતાં અને આડેધડ પ્રશ્નનો મારો ચાલુ રાખ્યો હતો તેવી ચર્ચા થઈ રહી છે.

મ્યુનિ. કમિશનરે કલોરીન ડોઝીયર અને ખાનગી બોર મામલે ડેપ્યુટી કમિશનર મિરાંત પરીખને પણ સવાલ કર્યાં હતાં તથા તેમને ટોણો મારતા એમ પણ જણાવ્યું હતું કે જવાબદારી માત્ર એક વિભાગ કે એક ઝોન પુરતી સીમિત હોતી નથી તેની જવાબદારી સમગ્ર દેશ પ્રત્યે હોય છે. ગોતા વોર્ડમાં સીએનસીડીના કર્મચારીઓએ પકડેલી ગાયો બે લોકો છોડાવી ગયા હતા તે મામલે પણ ડેપ્યુટી કમિશનર મિરાંત સીધો સવાલ કરીને પુછયું હતું કે આ મામલે તેમના તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે.

જેના જવાબમાં ડેપ્યુટી કમિશનરે એફઆઈઆર કરી હોવાનું જણાવ્યું હતું પરંતુ કમિશનરને વધુ શું કાર્યવાહી થઈ તે પ્રશ્ન સતત પુછયો હતો જેના જવાબમાં સીએનસીડી ડાયરેકટર નરેશ રાજપુતે જણાવ્યું હતું કે જે લોકો સામે ફરિયાદ થઈ છે તેમના ઘરના નળ-ગટર જોડાણ કાપવા માટે સુચના આપી છે તેથી કમિશનરે વોર્ડના આસિ. મ્યુનિ. કમિશનરને આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેમ પુછયું હતું.

આસિ. મ્યુનિ. કમિશનરે હજી સુધી કાર્યવાહી થઈ નથી તેમ જણાવતા તેમને શોકોઝ નોટીસ આપવા આદેશ કર્યો હતો. તેમજ જે લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તેમના મકાનના ગેરકાયદેસર ભાગ તોડી પાડવા પણ આદેશ કર્યાં હતાં. મ્યુનિ. કમિશનરે ફાયર વિભાગના ડેપ્યુટી કમિશનર વિપુલ ઠકકરને પણ સકંજામાં લીધા હતાં તેમજ પુછયું હતું કે ફાયર વિભાગ દ્વારા એનઓસી આપવામાં વિલંબ થઈ રહયો છે અને અનેક ફાઈલો હજી પડતર છે

તેની સામે ડેપ્યુટી કમિશનર વિપુલ ઠકકરે જણાવ્યું હતું કે કોર્પોરેશન લેવલથી તમામ ફાઈલ કિલયર થઈ ગઈ છે પરંતુ ફાઈનલ એનઓસી રાજય સરકારના અધિકારી આપે છે તેથી વિલંબ થયો છે પરંતુ કમિશનરને સીધા જવાબ ગળે ઉતરતા ન હોય તેમ તેમણે વધુ એક વખત ડેપ્યુટી કમિશનર સામે વાંકબાણ ચલાવ્યા હતા તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.