પડોશીઓને સાચવો, નહીંતર અમેરિકાનું નાગરિકત્વ નહીં મળે

વોશિંગ્ટન ડીસી, અમેરિકાના બીજી વારના પ્રમુખ બનેલાં ડોનાલ્ડ ટ્રમ્પ રોજ નવાં ફરમાનો જારી કરી વિશ્વના લોકોને અધ્ધર શ્વાસે રાખી રહ્યાં છે. અમેરિકામાં ઈમિગ્રન્ટ્સની સંખ્યા પર નિયંત્રણ મુકવાનો મનસૂબો ધરાવતી ટ્રમ્પ સરકારે હવે વધુ એક પ્રસ્તાવ રજૂ કર્યાે છે.
જે અંતર્ગત અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરનારા વિદેશી નાગરિકો જ્યાં રહેતાં હશે ત્યાં તેમના પડોશીઓનું તથા તેઓ જ્યાં નોકરી કરતાં હશે ત્યાંથી તેમના સહકર્મચારીઓ પાસેથી અરજદારની એકંદર વર્તણૂક, અમેરિકાના બંધારણ પ્રત્યે તેમની નિષ્ઠા, તથા અમેરિકા વિશેના તેના અભિપ્રાયોની જાણકારી એકત્ર કરશે. ૧૯૯૧માં બંધ કરાયેલી આ પ્રક્રિયા ટ્રમ્પ સરકાર દ્વારા ફરીથી શરૂ કરાઈ રહી છે.
યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા તાજેતરમાં જારી કરાયેલ એક આંતરિક મેમોરેન્ડમ અનુસાર, નાગરિકત્વની અરજી કરવા અગાઉના પાંચ વર્ષના સમયગાળાને આવરી લેતી નેબરહૂડ ઈન્વેસ્ટિગેશન અથવા ‘વોચ’ તરીકે ઓળખાતી આ વ્યક્તિગત તપાસમાં હેઠળ વિદેશી નાગરિકના રહેઠાણ અને નોકરીની નજીકના સ્થળોને આવરી લેવાશે.
જોકે યુએસસીઆઈએસ તેમની પાસે અગાઉથી ઉપલબ્ધ અરજદારના રેકોર્ડને આધારે વ્યક્તિગત કેસ કે ચોક્કસ વર્ગના કેસોમાં આ તપાસમાંથી મુક્તિ આપી શકે છે.
અમેરિકા સ્થિત ઈમિગ્રેશન એટર્ની કૃપા ઉપાધ્યાયના જણાવ્યાં અનુસાર, નાગરિકત્વ માટે અરજી કરનારાઓના પડોશીઓનું મંતવ્ય લેવાની નીતિ અયોગ્ય છે.
આવી નીતિઓથી અમેરિકા સુરક્ષિત બની જશે તેવું માનવું અતાર્કિક છે. આમ કરવાથી ઈમિગ્રન્ટ્સમાં ભયની તથા તેઓ અમેરિકામાં અવાંછિત હોવાની લાગણી પ્રબળ બનશે. યુએસસીઆઈએસ અરજદારને તેને ઓળખતા હોય તેવા પડોશી, નોકરીદાતા, સહકર્મી તથા બિઝનેસ એસોસિયેટ્સ પાસેથી તેની વર્તણૂક અંગેનું પ્રમાણપત્ર અથવા ટેસ્ટીમોનિયલ લેટર લાવવા કહી શકે છે.
જો અરજદાર આ પુરાવા આપવામાં નિષ્ફળ રહે અથવા તો પુરાવા આપવાનો ઈનકાર કરે તેવા કેસમાં નેબરહૂડ ઈન્વેસ્ટિગેશન હાથ ધરાશે. અરજદારે સ્વયં ટેસ્ટીમોનિયલ લેટર સબમિટ કરવો જોઈએ તેવું મેમોરેન્ડમાં સૂચવાયું હોવા છતાં યુએસસીઆઈએસના અધિકારી ઈચ્છે તો અરજદારના પડોશી કે તમારા બોસ અથવા સહકર્મીને તમારા વિશે પૂછી શકે છે.
ટ્રમ્પ સરકાર હવે વિદેશી વિદ્યાર્થીઓ તથા અમેરિકામાં કામ કરતાં વિદેશી મીડિયાકર્મીઓને અપાતા વિઝાની સમયમર્યાદા નક્કી કરવાની દરખાસ્ત લાવી રહી છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ અનુસાર, જો આ દરખાસ્ત અમલી બનશે તો વિદેશી વિદ્યાર્થીઓ સહિતના કેટલાંક વર્ગના વિઝાધારકોની અમેરિકામાં રહેવાની મુદ્દત પર સમયમર્યાદા લાગુ પડશે.
૧૯૭૮ની સાલથી વિદેશી વિદ્યાર્થીઓ (એફ વિઝાધારકો), ડ્યુરેશન સ્ટેટસ અંતર્ગત અમેરિકામાં અનિશ્ચિત મુદ્દત સુધી રહી શકે છે. જોકે ટ્રમ્પ સરકારનું માનવું છે કે, વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકાની આ ઉદારતાનો ગેરલાભ લઈ કાયમી વિદ્યાર્થી બની બેઠાં છે.
આવા લોકો ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં કાયમી પ્રવેશ લઈ અમેરિકામાં વસી જાય છે. વિદેશી મીડિયાકર્મીઓને હાલ પાંચ વર્ષ સુધીના વિઝા જારી કરાય છે. જોકે નવી દરખાસ્તમાં તેમને પ્રારંભિક સ્તરે ૨૪૦ દિવસના વિઝા આપવાનું સૂચન કરાયું છે.SS1MS