બિલોને મંજૂરીમાં રાજ્યપાલો વિલંબ કરે તો ‘યથાશીઘ્ર’ શબ્દનો કોઈ અર્થ રહેતો નથીઃ સુપ્રીમ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે બંધારણની કલમ ૨૦૦ હેઠળ રાજ્યપાલોએ રાજ્યના બિલો અંગે ‘શક્ય તેટલી વહેલી તકે’ નિર્ણય કરવાનો હોય છે. હવે જો રાજ્યપાલોને કાયમ માટે બિલોને મંજૂરી અટકાવી રાખવાની મંજૂરી આપવામાં આવે તો શક્ય તેટલી વહેલી તકે શબ્દપ્રયોગનો કોઇ વ્યવહારિક હેતુ રહેતો નથી.
પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે જણાવ્યું હતું કે બંધારણના ઘડવૈયાઓએ જાણીજોઈને કલમ ૨૦૦માં છ સપ્તાહની મર્યાદાની જગ્યાએ ‘શક્ય તેટલી વહેલી તકે’ શબ્દપ્રયોગ કર્યાે હતો. શું બિલોના ભાવિનો નિર્ણય લેવામાં આ શબ્દપ્રયોગની અવગણના કરી શકાય.કલમ ૨૦૦ હેઠળ રાજ્યપાલોને રાજ્યોના બિલો અંગે નિર્ણય કરવાની સત્તા મળે છે.
આ સત્તા મુજબ રાજ્યપાલ બિલને સંમતિ આપી શકે છે, મંજૂરી રોકી શકે, બિલને પુનર્વિચારણા માટે પરત કરી શકે છે અથવા બિલ રાષ્ટ્રપતિને મોકલી શકે છે. મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈએ જણાવ્યું હતું કે સવાલ એ છે રાજ્યપાલ રાજ્યોના બિલોને લાંબા સમયથી અટકાવી શકે કે નહીં. બંધારણમાં ‘શક્ય તેટલી ઝડપીથી’ શબ્દનો ઉપયોગ કરાયો છે.
અગાઉ છ સપ્તાહની મર્યાદા હતી, પરંતુ પછી શક્ય તેટલી વહેલા શબ્દનો ઉપયોગ કરાયો હતો. ડ્રાફ્ટિંગ કમિટીના એક સભ્યે કહ્યું હતું કે ‘શક્ય તેટલું જલ્દી’નો અર્થ તાત્કાલિક થશે.
જો બંધારણ ઘડવૈયાઓનો આ મત હોય તો શું આપણે તેને અવગણી શકીએ છીએ. તમિલનાડુ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યપાલો વિધાનસભા દ્વારા પસાર કરાયેલા નાણાં બિલોને પણ મંજૂરી રોકી શકે છે તેવી દલીલ તેમને રાજ્યના ‘સુપર ચીફ મિનિસ્ટર’ બનાવી દે છે.
જો રાજ્યપાલ બિલને અટકાવી રાખે તો તેને વિધાનસભામાં પરત કરવું જ જોઇએ. જો રાજ્યપાલોને તેમની સંમતિ કાયમ માટે રોકવાની મંજૂરી આપવામાં આવે તો તે સમગ્ર કલમ ૨૦૦ એક મજાક બની જશે. સીજેઆઈએ કહ્યું હતું કે જો તમે કાયમ માટે સંમતિ રોકી રાખશો તો શક્ય તેટલી વહેલી તકે શબ્દનો કોઇ વ્યવહારિક હેતુ રહેતો નથી.
કેન્દ્રે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય સરકારો મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન થયું હોવાનું કારણ રજૂ કરીને વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલોના મામલે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની કાર્યવાહી સામે સર્વાેચ્ચ અદાલતમાં રિટ પિટિશન દાખલ કરી શકે નહીં.
કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય જાણવા માંગે છે કે રાજ્યો મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન માટે બંધારણની કલમ ૩૨ હેઠળ રિટ અરજી દાખલ કરી શકે કે નહીં. રાષ્ટ્રપતિ બંધારણની કલમ ૩૬૧ના દાયરા અંગે પણ અભિપ્રાય જાણવા માગે છે.SS1MS