Western Times News

Gujarati News

શહેરોમાં ૪૦% મહિલાઓ અસુરક્ષિત હોવાનું અનુભવે છેઃ રિપોર્ટમાં દાવો

નવી દિલ્હી, ભારત જેવા વિશાળ દેશમાં મહિલાઓની સુરક્ષા એ એક સામાજિક પડકાર જ નહીં પરંતુ વિકાસના લક્ષ્યને પ્રભાવિત કરનારો મહત્વનો મુદ્દો છે. મહિલાઓની સુરક્ષા અંગે નારી ૨૦૨૫ રિપોર્ટમાં કેટલીક બાબતો ઉજાગર કરાઈ છે. આ રિપોર્ટ મુજબ દેશના શહેરી વિસ્તારોમાં લભગગ ૪૦ ટકા મહિલાઓ પોતાના શહેરોમાં જ અસુરક્ષિત અનુભવે છે.

રાત્રે સ્ટ્રીટ લાઈટ્‌સનો અભાવ, નબળી પોલીસ સુરક્ષા અને જાહેર પરિવહનનું કથળેલું સ્તરે આના મુખ્ય કારણોમાં સામેલ છે. આ રિપોર્ટ દેશના ૩૧ શહેરોમાંથી ૧૨,૭૭૦ મહિલાઓના વાસ્તવિક અનુભવો અને તેમના મતને આધારે તૈયાર કરાયો છે.

મહિલાઓ તેમની આસપાસના માહોલને કેટલો સુરક્ષિત અનુભવે છે અને કેટલા પડકારોનો સામનો કરવો પડે છે તે જાણવાનો રિપોર્ટમાં પ્રયાસ કરાયો છે. રસ્તા પર છેડતી, અભદ્ર ટિપ્પણી અને શારીરિક ઉત્પીડન જેવા બનાવોથી માત્ર મહિલાઓની સુરક્ષા જોખમાય છે તેવું નથી પણ તેમના શિક્ષણ અને રોજગારીની તકોને પણ પ્રતભાવિત કરે છે.

૨૦૨૪ના રિપોર્ટ મુજબ ૧૮થી ૨૪ વર્ષ વયજૂથની સાત ટકા મહિલાઓએ ઉત્પીડનનો અનુભવ કર્યાે છે. જ્યારે સત્તાવાર આંકડા વાસ્તવિકતા દર્શાવી શકતા નથી કારણ કે એનસીઆરબી ૨૦૨૨ના રિપોર્ટ મુજબ મહિલાઓ પર અત્યાચારના નોંધાતા ગુનાનું પ્રમાણ ૦.૦૭ ટકા છે. મહિલાઓની અસુરક્ષા માટે ગુનાઓ ઉપરાંત માળખાકીય સવલતોનો અભાવ પણ જવાબદાર છે.

નેશનલ એન્યુઅલ રિપોર્ટ એન્ડ ઈન્ડેક્સ ઓન વુમન્સ સેફ્ટી (નારી) ૨૦૨૫માં મુંબઈ, કોહિમા, ઈટાનાગર, ગેંગટોક, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર તથા ઐઝવાલને સૌથી સુરક્ષિત શહેરો ગણાવાયા છે.

જ્યારે પટણા, જયપુર, ફરિદાબાદ, દિલ્હી, કોલકાતા, શ્રીનગર અને રાંચી સૌથી અસુરક્ષિત શહેરોમાં સામેલ છે. સર્વે બાદ જાહેર કરાયેલા રાષ્ટ્રવ્યાપી ઈન્ડેક્સ મુજબ દેશનો સુરક્ષા સ્કોર ૬૫ ટકા હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.