બિહારમાં ગરીબોના નામ જ મતદાર યાદીમાંથી ગાયબ થયાઃ રાહુલ ગાંધી

સીતામઢી/મોતિહારી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની બિહારમાં વોટ અધિકાર યાત્રા તેના અંતિમ પડાવમાં પહોંચી છે. ગુરુવારે રાહુલ ગાંધીએ સીતામઢી ખાતે રેલીમાં બિહારના મતદારોનો પક્ષ લેતા ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા હતા.
લોકસભામાં વિપક્ષના નેતાએ જણાવ્યું કે, બિહારમાં જે ૬૫ લાખ લોકોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા છે તે બધા જ ગરીબ અને સામાજિક નબળા વર્ગના લોકો છે. બિહારના લોકો ભાજપ અને ચૂંટણી પંચને ક્યારેય પોતાનો મતાધિકાર છીનવવા દેશે નહીં.
અમે લોકોના મતોની ચોરી કરતા ભાજપ અને ચૂંટણી પંચ મિલીભગત ખુલ્લી પાડી દીધી છે. અગાઉ અનેક રાજ્યોમાં મતદારોના મતોની ચોરી કરવામાં આવી હતી અને હવ બિહારમાં પણ તેઓ આનું પુનરાવર્તન કરવા માંગે છે, પરંતુ અમે તેમ થવા નહીં દઈએ તેમ રાહુલે જણાવ્યું હતું. રાહુલે આ ઉપરાંત દાવો કર્યાે હતો કે આગામી મહિનાઓમાં તે મતોની ચોરી મામલે વધુ પુરાવા પણ રજૂ કરશે.
કોંગ્રેસના રાયબરેલીના સાંસદે સીતામઢી ખાતે વિખ્યાત જાનકી માતા મંદિરે પ્રાર્થના કરી હતી. બાદમાં મોતિહારીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ પણ તેમની સાથે જોડાયા હતા.
સુખુએ એક એક્સ પોસ્ટમાં જણાવ્યું કે, મોતિહારી ખાતે વોટર અધિકાર યાત્રામાં ભાગ લીધા લઈને અમે લોકશાહીની જાગરૂકતા માટેના આ અભિયાનને વધુ વેગ આપ્યો હતો. રાહુલ ગાંધીના નેતૃત્વમાં સમગ્ર બિહારના લોકો મતોની ચોરી તથા અન્યાય સામે એક થયા છે. મતોની ચોરી એ ગુનો નથી પરંતુ લોકશાહી પર કુઠારાઘાત સમાન છે. બંધારણનું રક્ષણ કરવું તે દરેક ભારતીયની ફરજ છે.SS1MS