Western Times News

Gujarati News

રશિયાથી પહેલા કરતાં વધુ ક્રૂડ ઓઈલ ખરીદશે ભારતઃ રિપોર્ટ

નવી દિલ્હી, અમેરિકાની ધમકીઓની ભારત પર ખાસ અસર જોવા મળી રહી નથી. એક અહેવાલ મુજબ ભારતે સપ્ટેમ્બરમાં રશિયા પાસેથી વધુ તેલ ખરીદવાની તૈયારી કરી છે, જોકે આ અંગે સરકાર કે ભારતીય રિફાઇનરીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પણ રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર દંડ લગાવ્યો હતો.રોયટર્સ સાથેની વાતચીતમાં તેલ ખરીદી પ્રક્રિયામાં સામેલ ત્રણ સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય રિફાઇનરીઓ ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં ૧૦ થી ૨૦% વધુ રશિયન તેલ ખરીદશે.

કહેવાય છે કે ખરીદી દરરોજ ૧ લાખ ૫૦ હજારથી ૩ લાખ બેરલ સુધી વધી શકે છે.અહેવાલ મુજબ, આગામી મહિને રશિયા પાસે વેચવા માટે વધુ તેલ ઉપલબ્ધ હશે. આનું કારણ એ છે કે પહેલાથી નિર્ધારિત અથવા અચાનક વિક્ષેપોને કારણે રશિયન રિફાઇનર્સની ક્રૂડ ઓઇલને ઇંધણમાં રૂપાંતરિત કરવાની ક્ષમતામાં ઘટાડો થયો છે.

આ ઉપરાંત ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, યુક્રેને તાજેતરના દિવસોમાં રશિયાની ૧૦ રિફાઇનરીઓ પર હુમલો કર્યાે છે. આંકડા દર્શાવે છે કે આના કારણે રશિયાની તેલ રિફાઇન કરવાની ક્ષમતા ૧૭% સુધી પ્રભાવિત થઈ છે.

વર્ષ ૨૦૨૨માં શરૂ થયેલી સૈન્ય કાર્યવાહી પછી પશ્ચિમના ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હતા. તે સમયે, ભારત રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર બન્યો હતો.

જોકે, હવે અમેરિકન સરકાર આ લેવડદેવડ પર વાંધો ઉઠાવી રહી છે. ટ્રમ્પની પ્રારંભિક જાહેરાતમાં ૨૫% ટેરિફ અને દંડનો સમાવેશ થતો હતો. આ પછી, ૨૫% વધુ ફી લાદવામાં આવી હતી. આ રીતે ભારત પર કુલ ટેરિફ ૫૦% સુધી પહોંચી ગયો છે.

અમેરિકાએ ભારત પર રશિયન તેલ ખરીદીને નફાખોરીનો પણ આરોપ લગાવ્યો છે, જ્યારે ભારતે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે યુરોપિયન યુનિયન અને અમેરિકા પોતે પણ રશિયા સાથે અબજો ડોલરનો વેપાર કરી રહ્યા છે. અહેવાલ મુજબ, જો ભારત તેલ ખરીદવાનું બંધ કરી દેશે, તો રશિયા તેની વર્તમાન નિકાસ જાળવી શકશે નહીં. આની સીધી અસર તેની તેલમાંથી થતી આવક પર પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.