Western Times News

Gujarati News

લાઇસન્સ, આરસી બુક સહિતના ડોક્યુમેન્ટ વગરના ૫૦ હજાર વાહનચાલકો ઝડપાયા

અમદાવાદ, અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા હેલમેટ કે સીટ બેલ્ટ ન પહેરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ તમામ લોકોને ઇ-ચલણ થકી દંડ ફટકારવામાં આવે છે. પરંતુ શહેરમાં અનેક વાહનચાલકો એવા પણ પકડાય છે જે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખતા નથી.

શહેર ટ્રાફિક પોલીસે ચાલુ વર્ષે છ માસમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક, ઇન્સ્યોરન્સ અને પીયુસી વગર ફરતા ૫૦ હજારથી વધુ વાહનચાલકોને ઝડપી પાડ્યા છે. આ તમામ લોકો સામે પોલીસે લાલ આંખ કરીને ૫ કરોડથી વધુનો દંડ ફટકાર્યાે છે.

ત્યારે આગામી દિવસોમાં પણ આ પ્રકારના નિયમોનો ભંગ કરનાર સામે પોલીસ જરૂરી કાર્યવાહી કરશે. શહેરમાં ટ્રાફિક જામ અને અકસ્માતની સમસ્યા પાછળ ખાડે ગયેલા તંત્રએ કરેલો વિકાસ અને લોકોમાં સિવિક સેન્સનો અભાવ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તંત્ર દ્વારા રોડ રસ્તાની કામગીરીમાં અનેક ભૂલો હોવાનું પણ સામે આવે છે. ક્યાંક ફોલ્ટી ડિઝાઇન, ગેરકાયદે કટ જેવા કારણો આ સમસ્યા પાછળ જવાબદાર છે. બીજી બાજુ લોકોમાં પણ સિવિક સેન્સનો અભાવ હોવાથી આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઇ છે.

ટ્રાફિક પોલીસે લાખો લોકોને હેલમેટ અને સીટબેલ્ટ જેવા નિયમો ન પાળવા બદલ ઝડપી પાડી ઇ-ચલણ ફટકાર્યા હતા. ત્યારે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક, ઇન્સ્યોરન્સ અને પીયુસી વગર વાહન લઇને નીકળતા લોકો સામે પણ પોલીસે લાલ આંખ કરી છે.

શહેરમાં આ પ્રકારના ડોક્યુમેન્ટ લીધા વગર ફરતા ૫૦ હજારથી વધુ વાહનચાલકોને પોલીસે દંડ ફટકાર્યાે છે. ડોક્યુમેન્ટ ન રાખતા વાહનચાલકોને પોલીસે અઢી કરોડથી વધુનો દંડ ફટકાર્યાે છે. જેમાં ૧૦ હજારથી વધુ લોકોના વાહનનો વીમો ન હોવાથી ૨.૧૧ કરોડનો દંડ ફટકાર્યાે છે. ટ્રાફિક પોલીસે કરેલી કામગીરી દરમિયાન છ માસમાં ૨૦ હજાર લોકો ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા ઝડપાયા છે.

જે વાહન ચાલકોને ૧૦ કરોડથી વધુનો દંડ આપવામાં આવ્યો છે. જ્યારે ૧૨ હજાર લોકો ગાડીમાં ડાર્ક ફિલ્મ રાખતા ૬૮ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ઘાતક સાબિત થતો હોવાથી પોલીસે આવા ૧૦ હજાર લોકોને પકડીને ૫૦ લાખનો દંડ ફટકાર્યાે છે.

ચાલુ વર્ષે છ માસમાં જ શહેર પોલીસે ૧૪ લાખથી વધુ લોકોને હેલમેટ ન પહેરવા બદલ ઝડપી પાડી ૭૩ કરોડનો દંડ ફટકાર્યાે છે. જ્યારે રેડ લાઇટ અને સ્ટોપ લાઇન વાયોલેશનનો ભંગ કરનાર ૨૦ હજાર લોકોને ઝડપી પાડી ૧૩ કરોડથી વધુનો દંડ આપવામાં આવ્યો છે.

જ્યારે શહેરમાંથી ૧૪ હજાર લોકો વાહનની નંબરપ્લેટ ન રાખવા બદલ ઝડપાયા છે. જ્યારે ૪૦ હજાર લોકો સીટબેલ્ટ પહેર્યા વગર કાર હંકારતા હોવાથી ૧.૯૭ કરોડનો દંડ ફટકારી પોલીસે લાલઆંખ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.