યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન: પાટનગર યોજના ભવન પરિસરને સ્વચ્છ બનાવાયું

Ahmedabad, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના સંદેશ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ દ્વારા પાટનગર યોજના ભવન, એલિસબ્રિજ ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉચ્ચ શિક્ષણ કમિશનર અને ગ્રંથનિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ શ્રી દિલીપ રાણાના સક્રિય માર્ગદર્શન હેઠળ આ અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં બોર્ડના પ્રકાશન અધિકારી ડૉ. પંકજભાઈ પટેલ, વહીવટી અધિકારી અને તમામ ઉત્સાહી કર્મચારીઓએ શ્રમદાન આપીને યોગદાન આપ્યું હતું.
ચોમાસાની ઋતુને કારણે પરિસરમાં ઊગી નીકળેલ બિનજરૂરી ઘાસ, પ્લાસ્ટિક કચરો, રેતી અને અન્ય કચરાને સાફ કરીને ભવનના બહારના સમગ્ર વિસ્તારને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ડૉ. પંકજભાઈ પટેલે જણાવ્યું કે, “મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સ્વચ્છ ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે દરેક નાગરિક અને સંસ્થાની ભાગીદારી જરૂરી છે. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ માત્ર શૈક્ષણિક પ્રકાશન જ નહીં, પરંતુ સામાજિક જવાબદારી તરીકે સ્વચ્છતા જેવા ઉમદા કાર્યોમાં પણ હંમેશા અગ્રેસર રહેશે. આ અભિયાન દ્વારા અમે સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણમાં અમારું યોગદાન આપી રહ્યા છીએ.”
સરકારી સંસ્થાઓ પણ સામાજિક પહેલમાં ભાગ લઈને સમાજ માટે પ્રેરણાદાયક બની શકે છે, તેનું ઉદાહરણ પૂરું પાડતા આ સામૂહિક પ્રયાસથી પરિસરની સુંદરતામાં વધારો થયો અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિનો સંદેશ ફેલાયો છે.