તાપીના ડોલવણમાં સૌથી વધુ ૬ ઈંચ વરસાદ પડતાં જનજીવન પ્રભાવિત

દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વ્યાપક વરસાદ- સાબરકાંઠા-બનાસકાંઠામાં પણ ભારે વરસાદ
ગાંધીનગર, સાબરકાંઠાના ઇડરમાં ભારે વરસાદે નુકસાની વેરી છે.. વરસાદી પાણીના નિકાલના અભાવને કારણે હવે હોસ્પિટલના દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. કારણ કે હાઇવે ઓથોરિટીએ રસ્તો બનાવ્યો પણ પાણીના નિકાસની વ્યવસ્થા ન કરી… જેને કારણે ભારે વરસાદથી પાણીનો ભરાવો થયો. પાણી ભરાઇ જતા આત્મવલ્લભ હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ તૂટી ગઇ હતી..
અને વરસાદી પાણી હોસ્પિટલમાં ઘૂસી આવ્યા હતા. હોસ્પિટલના દરેક વિભાગ, દરેક વોર્ડમાં પાણી ફરી વળ્યા,, ઘૂંટણસમા પાણી ભરાતા હોસ્પિટલમાં દાખલ ૧૫થી વધુ દર્દીઓ ભારે હાલાકી ભોગવવા મજબૂર થયા..એટલું જ નહીં અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા દર્દીઓ સારવાર વગર જ પાછા ફર્યા.હોસ્પિટલ સંચાલકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી..પરંતુ તંત્ર દ્વારા કોઇ મદદ ન મળતા લોકો રોષે ભરાયા છે.
રણછોડરાય મંદિર પરિસરમાં પાણી ભરાતાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. થોડા વરસાદમાં જ ડાકોરના વિવિધ ભાગોમાં પાણી ભરાયા હતા. સંસ્થાન હાઈસ્કૂલ વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
રાજ્યના ૭૫ તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. જેમાં ડોલવણ ૬.૩૪ ઈંચ, શહેરા ૪.૨૫ ઈંચ, વાલોડ ૩.૩૧ ઈંચ, ઉમરેઠ ૨.૭૬ ઈંચ , નડીયાદ ૨.૫૬ ઈંચ, ઉમરગામ ૨.૪૪ ઈંચ, મહુવા ૨.૦૧ ઈંચ, ચીખલી ૧.૮૫ ઈંચ, ગણદેવી ૧.૭૭ ઈંચ, બારડોલી ૧.૬૯ ઈંચ, માંડવી ૧.૫૭ ઈંચ, ખેરગામ ૧.૫૪ ઈંચ, સોનગઢ ૧.૪૬ ઈંચ, વાસંદા ૧.૩ ઈંચ, વસો ૧.૨૬ ઈંચ, ધરમપુર ૧.૨૨ ઈંચ, બાલાસિનોર ૧.૨૨ ઈંચ, ગોધરા ૧.૧૮ ઈંચ વરસાદ પડ્યો હતો
ભાવનગર જિલ્લામા ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં ખાટડી, ખરકડી, વાળુંકડ ગામમાં વરસાદી માહોલ છવાયો હતો. ખાટડી ગામની સ્થાનિક નદીના પુલ પર પાણી ભરાયા હતા. ખાટડીથી ખરકડી ગામને જોડતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો. રસ્તો બંધ થતા વાહન ચાલકો તેમજ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સમગ્ર તાપી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ છવાયો હતો. વ્યારા, ડોલવણ, વાલોડ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ડોલવણમાં સૌથી વધુ ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોનું જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાની પૂર્ણા, અંબિકા, મીંઢોળા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. નદી પરના લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા હતા. ગ્રામ્ય વિસ્તારના ૩૫ જેટલા રસ્તાઓ વાહન-વ્યવહાર માટે બંધ થયો હતો. ડોલવણ તાલુકાના ૨૧, સોનગઢ તાલુકામાં ૨ રસ્તા બંધ કરાયા હતા. વાલોડ તાલુકાના ૭, વ્યારા તાલુકાના ૫ રસ્તા પર વાહન-વ્યવહાર ઠપ થઈ ગયો હતો.
આણંદ જિલ્લાના ઉમરેઠમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉમરેઠથી નડિયાદને જોડતો હાઈવે જળમગ્રન થયો હતો. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પાણીને કારણે કેટલાક વાહન બંધ પડ્યા હતા. સ્કૂલવાન બંધ પડી જતા વિદ્યાર્થીઓ ધક્કા મારવા મજબૂર બન્યા હતા.