જુનાગઢ શહેર અને જિલ્લાની સ્કૂલ બહાર પહેરો ભરવાની ઝુંબેશ હાથ ધરી

પ્રતિકાત્મક
જુનાગઢ, હાલના સમયમાં દિવસેને દિવસે અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ યુવાનો અને સગીર વયના બાળકોમાં વાહનોનો ક્રેઝ જામ્યો છે, જેનાથી તેઓ અકસ્માતને પણ આમંત્રિત કરે છે.
અનેક અકસ્માતો સર્જાતા હોય છે, તેનું નિવારણ લાવવા પોલીસ દ્વારા સગીર વયના વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે. જેને લઈ જુનાગઢ જિલ્લા પોલીસે જુનાગઢ શહેર અને જિલ્લાની સ્કૂલ બહાર પહેરો ભરવાની ઝુંબેશ હાથ ધરી છે, જેમાં ગઈકાલે એક જ દિવસમાં ૧૪૭ જેટલા વિદ્યાર્થીઓને પોલીસે વાહન જપ્ત કરી, ડીટેઇન કર્યા હતા.
હાલમાં વધતી જતી અકસ્માતોની ઘટનાઓ પર અંકુશ લાવવા માટે જુનાગઢ પોલીસે એક ખાસ ઝુંબેશ હાથ ધરી લાયસન્સ વગર વાહન ચલાવતા નાની ઉંમરે સ્ટૂડન્ટ્સની સામે લાલ આંખ કરીને કાર્યવાહી શરુ કરી છે.
જે અંતર્ગત DEO કચેરી તથા જિલ્લા અને શહેરની તમામ શાળા સંચાલકોને જાણ કરી શાળાએ વાહન લઈને આવતા સગીર વિદ્યાર્થીને ડિટેઈન કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન માત્ર એક જ દિવસમાં ૧૪૭ જેટલા વિદ્યાર્થીઓ પાસેથી પોલીસ દ્વારા વાહનો કબજે કરી ડીટેઇન કરાયા છે.
ખાસ આ કાર્યવાહી માટે જુનાગઢ પોલીસે શહેર તથા જિલ્લાની વિવિધ સ્કૂલો બહાર પગપેસારો કરી દીધો છે અને લાયસન્સ વગર વાહન ચલાવતા નાની ઉંમરના સ્ટૂડન્ટ્સને પકડે છે. જે બાદ તેમનું વાહન જપ્ત કરે છે. આવી રીતે હાલ સુધીમાં ૧૪૭ જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. જેમાં જુનાગઢ શહેરના ૯૦, ગ્રામ્ય ડિવિઝનના ૨૩, વિસાવદર ડિવિઝનના ૬, કેશોદ ડિવિઝનના ૧૦ અને માંગરોળ ડિવિઝનના ૧૮ વાહનો સામેલ છે.
નોંધનીય છે કે, જુનાગઢ પોલીસે આ કાર્યવાહી કરતા પહેલા ડ્ઢઈર્ં કચેરી તથા તમામ શાળાના સંચાલકોને સૂચન કર્યું હતું, પરંતુ સમગ્ર મામલે ગંભીરતા ન લેવામાં આવતા અંતે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઈ હતી. જેમાં જુનાગઢ શહેર અને જિલ્લાની તમામ સ્કૂલ બહાર પોલીસની જુદી જુદી ટીમો દ્વારા સગીર વયના વિદ્યાર્થીઓ કે જે વાહન લઈને સ્કૂલે જતા હોય છે તેને અટકાવવામાં આવ્યા હતા અને વાહનો ડીટેઇન કરાયા છે.
હવે આ કાર્યવાહીને આગળ ધપાવતા વાહનો સાથે ડીટેઇન કરાયેલા સગીર વયના બાળકોના વાલીઓને પોલીસ દ્વારા બોલાવવામાં આવશે અને તેમને અકસ્માતોની ગંભીર ઘટનાઓ અંગે પણ જાણ કરાશે. આ ઉપરાંત જો આગામી સમયમાં પણ વાલીઓ પોતાના સગીર વયના બાળકોને લાઇસન્સ વગર વાહન ચલાવવા આપશે, તો વાલીઓ સામે પણ ફરિયાદ નોંધાઈ શકે છે.