જમીન સંપાદનના વળતરમાં જાહેર થયા નવા નિયમો

પ્રતિકાત્મક
જમીન સંપાદન વખતે વળતર અને વધારાના વળતરની વ્યાજ સહિતની ચુકવણી વખતે ટીડીએસ કાપવા સંદર્ભ એક નવો સુધારો કર્યો છે
ગાંધીનગર, ગુજરાત સરકારે આજે જમીન સંપાદન મામલે મોટો નિર્ણય લીધો છે. જમીન સંપાદન વખતે વળતર અને વધારાના વળતરની વ્યાજ સહિતની ચુકવણી વખતે ટીડીએસ કાપવા સંદર્ભ એક નવો સુધારો કર્યો છે. મહેસુલ વિભાગ દ્વારા પરિપત્ર કરીને જમીન સંપાદનના વળતર અને વ્યાજ સહિતના વધારાની રકમ ઉપર ટીડીએસ કાપવાના નવા નિયમો જાહેર થયા છે. કોર્ટના આદેશના પગલે વળતર અને વધારાના વળતરની વ્યાજ સહિતની ચુકવણી ટીડીએસ કાપ્યા વગર કોર્ટમાં જમા કરાશે.
જે તે જમીન સંપાદન અધિકારી દ્વારા ટીડીએસની રકમ કાપવાની રહેશે. અરજદારને ટીડીએસનું પ્રમાણપત્ર આપવાનું રહેશે જેથી એ ઇન્કમટેક્સ રિટર્નમાં તે બતાવી શકે. જો કોઈ પણ અરજદાર ટેક્સ ભરવામાંથી મુક્તિ કે ઘટાડેલો ટેક્સ ભરવાની પ્રમાણપત્ર રજૂ કરે તો તેના આધારે ટીડીએસ કાપવાનો રહેશે. આમ જમીન સંપાદની વળતરમાં નવા નિયમોથી ખેડૂતોને ઝટકો લાગે તો નવાઈ નહીં.
સરકારે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, સુપ્રિમ કોર્ટ દ્વારા સીવીલ અપીલ નં. ૧૫૦૪૧/૨૦૧૭માં તા. ૧૫/૦૯/૨૦૧૭ના ચુકાદામાં જમીન સંપાદન અધિનિયમ-૧૮૯૪ હેઠળ સંપાદન થતી જમીનના સંદર્ભમાં વળતર તથા વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત તેમજ તે અંગેની કાર્યપદ્ધતિનો નિર્દેશ કરેલ છે. સુપ્રિમ કોર્ટ દ્વારા ઉકત તા. ૧૫/૦૯/૨૦૧૭ના ચુકાદામાં સીવીલ અપીલ નં. ૪૪૦૧/૨૦૦૯માં નામ. સુપ્રિમકોર્ટના તા. ૧૬/૦૭/૨૦૦૯ના ચુકાદાનો તેમજ કેરાલા હાઈકોર્ટ દ્વારા નલિની વિરૂદ્ધ ડે. કલેકટર, જમીન સંપાદન(૨૦૦૬(૪) આઈએલઆર કેરાલા ૨૨૯)ના કેસનો આધાર લેવામાં આવેલો છે.
વંચાણે લીધેલ સંદર્ભ ક્રમાંક(૧)ના ઠરાવથી નામ. સુપ્રિમકોર્ટના ઉક્ત તા. ૧૫/૦૯/૨૦૧૭ના ચુકાદાને ધ્યાને લઈને કેરાલા હાઈકોર્ટ દ્વારા નલિની વિરૂદ્ધ ડે. કલેકટર, જમીન સંપાદન (૨૦૦૬(૪) આઈએલઆર કેરાલા ૨૨૯)ના કેસથી જમીન સંપાદન અધિનિયમ-૧૮૯૪ હેઠળ સંપાદન થતી જમીનના સંદર્ભમાં વળતર તથા વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત અંગે નિયત થયેલ કાર્યપદ્ધતિ અપનાવવા જમીન સંપાદન અધિકારીઓને સૂચના આપવામાં આવેલ હતી. ઉકત ઠરાવમાં વળતરની રકમ અને તેના વ્યાજ પર ટી.ડી.એસ.ની કપાત કરવા અંગેની સૂચના આપવામાં આવેલ ન હતી.
આથી જમીન સંપાદન અધિનિયમ-૧૮૯૪ હેઠળ જમીન સંપાદન કેસમાં ચુકવવામાં આવતા વળતર તેમજ વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત કરવા અંગે નવેસરથી કાર્યપદ્ધતિ નક્કી કરવાની બાબત સરકારમાં વિચારણા હેઠળ હતી.
આથી પુખ્ત વિચારણાને અંતે જમીન સંપાદન અધિનિયમ-૧૮૯૪ હેઠળ જમીન સંપાદન કેસમાં ચુકવવામાં આવતા વળતર તેમજ વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત કરવા અંગે નીચે મુજબની કાર્યપદ્ધતિ ઠરાવવામાં આવે છે.
જમીન સંપાદન અધિનિયમ-૧૮૯૪ની કલમ-૧૮ હેઠળના રેફરન્સ હેઠળ નામ. કોર્ટ દ્વારા વધારી આપવામાં આવેલા વળતરની વ્યાજ સહિતની રકમ પર ટી.ડી.એસ.ની કપાત કરવાની થાય છે, પરંતુ આવી કપાત જમીન સંપાદન અધિકારી દ્વારા સીધી રીતે ન કરતાં વધારાના વળતરની વ્યાજ સહિતની સંપૂર્ણ રકમ નામ. કોર્ટમાં જમા કરાવવાની રહેશે.
જમીન સંપાદન અધિનિયમ-૧૮૯૪ની કલમ-૨૮(એ) હેઠળના વળતરની વ્યાજ સહિતની રકમ પર જમીન સંપાદન અધિકારી દ્વારા ટી.ડી.એસ. કપાત કરવાની રહેશે. ઉકત ટી.ડી.એસ. કપાત બાબતે જમીન સંપાદન અધિકારી દ્વારા ખાતેદાર/અરજદારને ઈન્કમટેક્ષની રકમ કપાત પહેલાં ઈન્કમટેક્ષ ચુકવવાની તેઓની જવાબદારી અંગે જણાવવાનું રહેશે. વધુમાં જમીન સંપાદન અધિકારીએ પ્રવર્તમાન આવકવેરા અધિનિયમ અને નિયમો હેઠળ કાપવાપાત્ર ટી.ડી.એસ.ની રકમ કાપીને બાકી રહેતી રકમનું ચૂકવણું ખાતેદાર/અરજદારને કરવાનું રહેશે.
જો અરજદાર પ્રવર્તમાન આવકવેરા અધિનિયમ હેઠળ સક્ષમ સત્તા પાસેથી આવકવેરો ભરવામાંથી મુક્તિનું કે ઘટાડેલા દરે આવકવેરો ભરવાનું પ્રમાણપત્ર રજૂ કરે તો આ અનુસાર ટી.ડી.એસ. રકમ જ કાપવાની રહેશે તથા બાકી રકમનું ચુકવણું કરવાનું રહેશે. જમીન સંપાદન અધિકારી દ્વારા કરવામાં આવેલ ટી.ડી.એસ.ની કપાત નિયત સમયમર્યાદામાં ઈન્કમટેક્ષ વિભાગમાં જમા કરાવવાની રહેશે.
ખાતેદાર/અરજદારને ટી.ડી.એસ. કપાત કર્યા અંગેનું આવકવેરા અધિનિયમની જોગવાઈ હેઠળનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. જેથી ખાતેદાર/અરજદાર તેના આધારે ઈન્કમટેક્ષ રીટર્ન ભરી રીફંડ મેળવવાની કાર્યવાહી કરી શકે. ઉક્ત સંદર્ભ ક્રમાંક-(૧)માં દર્શાવેલ મહેસૂલ વિભાગનો ઠરાવ ક્રમાંકઃ એલએક્્યુ/૨૦૧૮/ યુ.ઓ. ૧૩/ઘ, તા. ૨૮/૦૧/૨૦૨૨ આથી રદ કરવામાં આવે છે.