Western Times News

Gujarati News

‘ભયાનક દુર્ઘટના’ સર્જાય તો દેશનું સુકાન સંભાળવા તૈયારઃ વેન્સ

વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આરોગ્ય સતત કથળી રહ્યું હોવાની આશંકાઓ પ્રબળ બની છે. પશ્ચિમી મીડિયા જગત પણ ટ્રમ્પની તબિયત અંગે અનેક અટકળો વ્યક્ત કરી રહ્યું છે ત્યારે ઉપપ્રમુખ જે ડી વેન્સને આ મામલે ખુલાસો કરવાની ફરજ પડી છે. વેન્સે અમેરિકન્સને વિશ્વાસ અપાવ્યો હતો કે, ચિંતા કરવાનું કોઈ કારણ નથી.

ટ્રમ્પ એકદમ સ્વસ્થ છે અને પ્રમુખ તરીકે ચાર વર્ષ ચોક્કસ પૂરા કરશે. જોકે એવા સમયે તેમણે એવી સ્પષ્ટતા પણ કરી કે જો કોઇ ભયંકર કરુણ ઘટના બને તો અમેરિકાના વડા તરીકે અગ્રિમ મોરચે રહેવા તેઓ (વેન્સ) સક્ષમ છે. ૨૦૦ દિવસના કાર્યકાળમાં તેમણે આ મોરચે ઘણું શીખી લીધું છે.૭૯ વર્ષના ટ્રમ્પે જાન્યુઆરી મહિનામાં યુએસ પ્રમુખ પદે કાર્યભાર સંભાળ્યો હતો.

એક ઈન્ટરવ્યૂમાં વેન્સે કહ્યું હતું કે, મેં જાન્યુઆરી મહિનામાં પ્રથમ વખત ઓવલ ઓફિસમાં પગ મૂક્યો હતો અને તેના ભવ્ય ઈતિહાસથી અત્યંત પ્રભાવિત થયા હતા.

પ્રમુખ ટ્રમ્પ અંગે વાત કરતાં વેન્સે જણાવ્યુ હતું કે, તેમનું આરોગ્ય અતિશય સારું છે. તેમનામાં અવિશ્વસનીય ઊર્જા છે. યુએસ પ્રમુખ સ્વસ્થ હોવાનો ભરપૂર વિશ્વાસ છે.

તેઓ પોતાનો કાર્યકાળ પૂરો કરશે અને અમેરિકાના લોકો માટે ઘણી સારી કામગીરી કરશે. અમેરિકાના ઈતિહાસમાં જે ડી વેન્સ ત્રીજા સૌથી ઓછી ઉંમરના ઉપપ્રમુખ છે.

તેમણે ખાતરી આપેલી છે કે, પ્રમુખ ટ્રમ્પ સાથે કોઈ અજુગતી ઘટના બને તો તેઓ દેશને સાચવી લેશે. ટ્રમ્પના રિપબ્લિકન પક્ષના ૪૧ વર્ષીય વેન્સનો આ ખુલાસો એવા સમયે આવ્યો છે, જ્યારે ટ્રમ્પના આરોગ્ય અંગે તરેહ-તરેહની અટકળો ચાલી રહી છે.

સાઉથ કોરિયન પ્રમુખ લી જે મિયુંગ સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પના હાથ પર મોટાં ઊઝરડાં જોવા મળ્યા હતા. તેમની કોણી પર સોજો હતો અને ચાલવામાં પણ તકલીફ પડતી હતી. બોલતી વખતે ટ્રમ્પની જીભ થોથવાતી હતી અને શબ્દો ભેગા અવળ-સવળ થઈ જતા હતા.

જાહેરમાં ટ્રમ્પની આ હાલત જોયા પછી નબળા આરોગ્ય અંગેની અટકળો વહેતી થઈ હતી. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધુ ઉંમર ધરાવનારા પ્રમુખ તરીકે ટ્રમ્પનું નામ છે. તેમના પુરોગામી જો બાઈડને ૨૦૨૧માં સત્તા સંભાળી હતી. તે સમયે તેમની ઉંમર ૭૮ વર્ષ અને બે મહિનાની હતી. જ્યારે ટ્રમ્પે ૭૮ વર્ષ અને સાત મહિનાની ઉંમરે પ્રમુખ પદ ધારણ કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.