ઠગ પિતા-પુત્રે વેપારીને લાલચ આપી ૧.૩૫ કરોડનો ચૂનો લગાવ્યો

અમદાવાદ, શહેરના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને પોતાની ધંધામાં રોકાણ કરાવી વધુ નફો આપવાની લાલચ આપી કરોડોનો ચૂનો લગાવવામાં આવી રહ્યો છે ત્યારે જ આગ્રાના ઠગ પિતા-પુત્રે અમદાવાદના વેપારીને રોકાણ પર ડબલ નફો આપવાની લાલચ આપી ૧.૩૫ કરોડનો ચૂનો લગાવ્યો હતો. વેપારીની ફરિયાદ નોંધી વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વસ્ત્રાપુર સ્થિત મણિકમલ સોસાયટીમાં રહેતા સુનિલભાઇ ચંદુલાલ પટેલ (ઉવ. ૬૫) કાલુપુરમાં કાપડનો ધંધો કરે છે. તેમની ફરિયાદ છે કે તેઓ બે વર્ષ પહેલાં એક મિત્ર ચિરાગ ત્રિવેદી મારફત આગ્રાના પ્રકાશ ગુરબાની અને તેમના પુત્ર કપિલ ગુરબાનીને મળ્યા હતા.
થોડા દિવસો સુધી તેમની મિત્રતા રહી હતી ત્યાર બાદ ગુરબાની પિતા-પુત્રે સુનિલ પટેલને કહ્યું હતું કે તેઓ પોતાની આગ્રા ખાતેની ગ્રીન એક્ઝિમ કંપનીમાં રોકાણ કરો તો તેની સામે તમને ડબલ નફો મળશે. ગુરબાની પિતા-પુત્રની વાતોમાં આવી ગયા જતાં તેમણે ૧,૫૯,૮૦,૦૦૦નું રોકાણ કર્યું હતું. તેની સામે ડબલ નફો આપવાની વાત થઇ હતી.
જોકે આ રોકાણ પર નફો આપ્યો નહોતો તેમ છતાં ગુરબાની પિતા-પુત્રે વધુ એક કરોડનું રોકાણ કરવા સુનિલ પટેલને જણાવ્યું હતું. સુનિલ પટેલે પોતાની તમામ બચત રોકી દીધી હોવાનું કહી રૂપિયા પરત માગ્યા હતા.
જેને પગલે તેમને ૨૫ લાખ રૂપિયા પરત આપ્યા હતા. બાકીના ૧,૩૪,૮૦,૦૦૦ પરત ન આપી તેમની સાથે ઠગાઇ કરી હતી. ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ આદરી છે.SS1MS