કાલુપુરમાં ફૂટપાથ પર નિદ્રાધીન યુવકને પાલિકાના ડમ્પરે કચડ્યો

અમદાવાદ, મહાનગર પાલિકાના વાહનો હવે જાણ કે શહેરીજનો માટે મોતનું કારણ બની રહ્યા હોય તેવો ઘાટ થયો છે. બીઆરટીએસ અને એમટીએસ આંતરે દિવસે અકસ્માત કરી રહી છે. થોડા દિવસ પહેલા કચરો કલેક્ટ કરતા વાહને અકસ્માત સર્જ્યાે હતો ત્યારે હવે પાલિકાના ડમ્પરચાલકે કાલુપુર ચોખા બજારમાં ફૂટપાથ પર સુઇ રહેલા યુવક પર ડમ્પર ચડાવી દેતાં તેનું મોત નિપજ્યું હતું.
જ્યારે અન્ય બનાવમાં વસ્ત્રાલમાં રિક્ષાચાલકે એક વૃદ્ધને અડફેટે લઇ મોતને ઘાટ ઉતાર્યાે હતો.કાલુપુર ચોખાબજાર પાસે ફૂટપાથ પર રહેતો ભૂપેન્દ્રસિંગ રાઘવ (૩૭) ગત ૨૬ ઓગસ્ટે રાત્રિના સમયે સુરજ ટ્રેડર્સ નામની દુકાન પાસે ફૂટપાથ પર સૂતો હતો ત્યારે પૂરઝડપે આવી રહેલા એએમસીના ડમ્પરચાલકે ડમ્પર તેના પગ પર ચઢાવી દેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થતા ડમ્પરચાલક ડમ્પર મૂકીને ભાગી ગયો હતો. તેમજ ઇજાગ્રસ્ત ભૂપેન્દ્રસિંગને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.
આ અંગે એફ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર ડમ્પરચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.વસ્ત્રાલમાં રહેતા જયંતિભાઇ બારોટ(૬૫) સ્થાનિક વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડસ તરીકે કામ કરતા હતા.
૧૭ ઓગસ્ટે તેઓ વસ્ત્રાલ ચાર રસ્તાથી પાંજરાપોળ ચાર રસ્તા તરફ ચાલતા જતા હતા ત્યારે વસ્ત્રાલ તળાવ પાસે રિક્ષાચાલકે જ્યંતીભાઇને અડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચતા બેભાન થઇ ગયા હતા. અકસ્માત બાદ રિક્ષાચાલક ફરાર થઇ ગયો હતો.
જ્યારે ઇજાગ્રસ્ત જ્યંતીભાઇને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્રે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષાચાલક સામે ગુનો નોંધતા પોલીસે તપાસ શરૂ કરી છે.SS1MS