અંદાજે 17.34 લાખથી વધુ લોકોના જીવ બચાવ્યા ગુજરાતની લાઈફલાઈન 108 સેવાએ

ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક ૧૮ વર્ષ પૂર્ણ કરતી ગુજરાતની લાઈફલાઈન ૧૦૮ ઈમરજન્સી સેવા
- ૧૦૮ ઇમરજન્સી સેવા શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક ૧ કરોડ ૭૭ લાખથી વધુ ઈમરજન્સીને પ્રતિસાદ
રાજ્યમાં મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ૨૦૦૭માં શરૂ થયેલી ૧૦૮ ઇમરજન્સી સેવાને આગામી ૨૯મી ઓગસ્ટે ૧૮ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. ૧૦૮ ઇમરજન્સી સેવા ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ શરૂ થઈ હતી. એક જ કોલમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનારી આ સેવા થકી ૧૮ વર્ષમાં અંદાજે ૧૭.૩૪ લાખથી વધુ લોકોના જીવ બચ્યા છે.
ગુજરાતમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌ ના હૈયે અને હોઠે ચડતો એકમાત્ર ટોલ ફ્રી નંબર એટલે ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ. ૨૯ ઓગસ્ટનો એ ઐતિહાસિક દિવસ કે જ્યારે ૧૦૮ સેવાનો ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર શુભારંભ થયો હતો.
રાજ્યના નાગરિકોના આરોગ્યના હિત માટે વર્ષ ૨૦૦૭માં ઈમરજન્સી તાકીદની સ્થિતમાં જરૂરિયાતમંદ ગંભીર બીમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ પરિવહનની સુવિધા પૂરી પાડવા અને તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સી જેવી કે હૃદયરોગ, કેન્સર, કીડની, પ્રસૂતિ સંબંધિત, ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ઘવાયેલ, ગંભીર બીમારી અને દાઝી જવાથી થતી ગંભીર ઇજાઓ, રોડ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત, બીમાર નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં ૨૪ કલાક કાર્યરત અદ્યતન એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ૧૦૮ સેવાની શરૂઆત ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ કરવામાં આવી હતી. આ ૧૦૮ યોજનાનું લોકાર્પણ આપણા હાલના વડાપ્રધાન તથા તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૦૭માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના સફળ માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાનાં શહેરો, તાલુકા અને છેવાડાનાં ગામ સુધી આજે ૧૦૮ ઇમરજન્સી સેવા ૨૪*૭ વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે ગુજરાતના નાગરિકો માટે આશીર્વાદ સમાન છે. રાજ્યકક્ષાના અદ્યતન ટેક્નોલૉજીસભર સ્ટેટ-ઓફ-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અમદાવાદના નરોડા કઠવાડા ખાતે પ્રસ્થાપિત કરીને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવી છે.
વર્ષ ૨૦૦૭ થી મેડિકલ, પોલીસ અને ફાયર સંબંધિત કટોકટીઓ માટે લોકોને ૧૦૮ ટોલ ફ્રી નંબર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેવાઓ ૨૪X૭ પ્રદાન કરવાના હેતુથી રાજ્યકક્ષાના અદ્યતન ટેક્નોલૉજી સભર સ્ટેટ-ઓફ-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અમદાવાદના નરોડા કઠવાડા ખાતે ૧૫ એકરના વિસ્તારમાં પ્રસ્થાપિત કરીને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવે છે.
એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડિકલ સાધનો, દવાઓ, વેન્ટિલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે. તદુપરાંત રિસ્પોન્સ સેન્ટરમાં કાર્યાન્વિત અદ્યતન ટેકનોલોજી અને લોકેશન બેઇઝ સર્વિસ (LBS)થી સુસજ્જ એવી CAD Application થકી સેવા માટે કોલ કરનારનું Automatically લોકેશન પ્રાપ્ત થઈ જવાથી સમયનો બચાવ થાય છે અને ઝડપથી એમ્બ્યુલન્સ મોકલી શકાય છે.
૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા દરરોજ સરેરાશ ૪૩૦૦ થી ૪૫૦૦ જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. દર ૨૧ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના કરવામાં આવે છે. ૧ કરોડ ૭૭ લાખ કરતા વધારે લોકોને કટોકટીના સમયમાં સેવા, ૨.૪૮ લાખથી વધુ પોલીસ અને ૭.૫ હજારથી વધુ ફાયર માટેની સેવા આપવામા આવી છે. ૫૬ કરોડથી વધારે એમ્બ્યુલન્સના કિલોમીટરનું સંચાલન કરવામાં આવ્યું છે. ૧૭.૩૪ લાખથી વધુ વિકટ પરિસ્થિતિમાં મુકાયેલ માનવ જિંદગીઓનો બચાવ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ૫૮.૭૦ લાખ કરતાં વધારે પ્રસૂતા માતાને કટોકટીની સ્થિતિમાં મદદ કરવામાં આવી છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ૧,૫૨,૮૦૯થી વધુ ઘટના સ્થળે પ્રસૂતિઓમાં મદદ કરવામાં આવી છે. ૧૦૮ સેવા માટે આવતા કોલ્સ પૈકી મોટાભાગના કોલ્સ પ્રસુતા માતાઓ માટે ઈમરજન્સી સેવાને લગતા હોય છે. ગુજરાત રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરના સૂચકઆંકને લગતા સરકારના લક્ષયાંકોને સિદ્ધ કરવામાં ૧૦૮ સેવાનો મહત્વનો ફાળો રહ્યો છે. ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સની ઝડપી સેવા માટે અદ્યતન લોકોપયોગી “૧૦૮ સીટીઝન મોબાઇલ એપ્લીકેશન ” શરૂ કરવામાં આવી છે.
દરીયામાં કામ કરતા માછીમારોના આરોગ્યના અધિકારોની જાળવણી માટે દરીયામાં ૧૦૮-એમ્બ્યુલન્સ જેવી મેડિકલ સેવા પહોંચાડવા માટે પોરબંદર અને ઓખા બંદર ખાતે બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. સમગ્ર ભારતમાં પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં એર એમ્બ્યુલન્સ સેવા ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગ, GUJSAIL અને GVK EMRI સાથે મળી સંકલિત રીતે રાજ્ય વ્યાપી તા:૨૧/૦૩/૨૦૨૨થી કાર્યાન્વિત કરી છે.
ગુજરાત સરકારે સમયાનુકુલ ટેકનોલોજી અને અપગ્રેડેશનનો વિનિયોગ કરીને આપાતકાલમાં પ્રત્યેક સેકન્ડનો બચાવ થઈ શકે અને માનવીની અમૂલ્ય જિંદગી બચાવવા ભારત દેશમાં સૌ પ્રથમ વખત પેપરલેશ ૧૦૮ ઇમરજન્સી સેવા અને એમ ગવર્નસની વ્યવસ્થા અમલીકૃત કરી છે.
આ અંગે વાત કરતા જી.વી.કે.ઇ.એમ.આર.આઇ-૧૦૮ના ચીફ ઓપરેટીંગ ઓફીસર શ્રી જશવંત પ્રજાપતિએ જણાવ્યું કે, ૧૦૮ ઈમરજન્સી સેવાની ટીમ ૨૪x૭ ઇમરજ્ન્સી સેવા પુરી પાડવા કટીબધ્ધ છે.રાજયમાં ૧૦૮ ઇમર્જન્સી સેવા ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ થી કાર્યાન્વિત કરવામાં આવી છે.
રાજ્યની ૧૦૮ સેવાને આજે સફળતા પૂર્વક અવિરત સેવાના ૧૮ વર્ષ પૂર્ણ થયા છે. ૧૦૮ સેવા દ્વારા અનેક લોકોને કટોકટીની પળોમાં મહામૂલી માનવ જિંદગીને બચાવવાની ઉમદા કામગીરી કરી છે અને છેલ્લા ૧૮ વર્ષમાં ૧ કરોડ ૭૭ લાખ જેટલા લોકોએ આ સેવાનો લાભ લીધો છે. વર્ષ ૨૦૦૭માં માત્ર ૧૪ એમ્બ્યુલન્સના કાફલામાંથી શરૂ થયેલી સેવા આજે ૧૮ વર્ષ જેટલા સમયગાળામાં ૧૪૫૬ એમ્બ્યુલન્સ (૦૨ બોટ એમ્બ્યુલન્સ)સુધી પહોંચી છે
૧૦૮ નંબર પર આવેલા ૯૯ ટકા જેટલા ફોન કોલને પ્રથમ બે રિંગમાં જ પ્રતિસાદ મળી જાય છે
૧૦૮ નંબર પર આવેલા ૯૯ ટકા જેટલા ફોન કોલ પ્રથમ બે રિંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ સારી ગુણવતા છે. ૧૦૮ એમ્બ્યુલન્સનો રાજ્યમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૧૪.૪૫ મિનિટ જેટલો છે, જયારે શહેરી વિસ્તારમાં ૧૦.૩૧ મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ અને ગ્રામીણ વિસ્તારમાં ૧૮.૨૦ મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ છે. એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે, જેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે.