ઓગસ્ટ-૨૫ના રાજ્ય સ્વાગતમાં ૧૭૦ જેટલી રજૂઆતો થઈ

File
બનાસકાંઠા જિલ્લાના ૪૫૦થી વધુ લોકોએ દસ્તાવેજ કરીને ખરીદેલી બિન ખેતીની જમીનની રજૂઆતો સાંભળી લેન્ડ ગ્રેબીંગ અંતર્ગત કડક કાર્યવાહી કરાઈ
જિલ્લા કક્ષાએ પસ્પર સંકલનથી નાગરિકોની રજુઆતોનું હકારાત્મક નિરાકરણ લાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાકિદ
મુખ્યમંત્રીશ્રીએ ૧૨ રજૂઆતો રાજ્ય સ્વાગતમાં સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળી
મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા ૧૬૦ રજૂઆતો સાંભળીને સંબંધિત જિલ્લા તંત્ર અને સરકારના વિભાગોને યોગ્ય કાર્યવાહી માટેની સુચનાઓ સાથે મોકલવામાં આવી
ઓગસ્ટ -૨૫ના જિલ્લા સ્વાગતમાં ૧૫૨૯ – તાલુકા સ્વાગતમાં ૨૭૦૧ રજૂઆતો અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કક્ષાએ પરસ્પર સંકલન રાખીને લોકોની રજુઆતોનું હકારાત્મક નિરાકરણ લાવવાની તાકિદ ઓગસ્ટ મહિનાના રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઓગસ્ટ-૨૫ના રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તેમની સમક્ષ રજુ થયેલી ૧૨ રજુઆતોમાંથી ખેતરમાં નર્મદાની કેનાલ અવાર-નવાર છલકાવાથી એક ખેડૂતને થતા નુકશાનનું કાયમી નિવારણ અને નુકશાનીનું વળતર ચુકવવા સરદાર સરોવર નર્મદા નિગમને સ્પષ્ટ સુચનાઓ આપી હતી.
રાજ્ય સ્વાગતમાં પ્રજાજનો-નાગરિકો મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગાંધીનગરમાં પોતાની રજૂઆતો-સમસ્યાઓ રૂબરૂ કરતા હોય છે. આ ઉપક્રમમાં ઓગસ્ટ-૨૫ના રાજ્ય સ્વાગતમાં કુલ ૧૭૦ રજૂઆતકર્તાઓ પોતાની વિવિધ રજૂઆતો સાથે હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના જનસંપર્ક એકમ દ્વારા આ રજૂઆતો સાંભળીને તેમાંથી ૧૬૦ જેટલી રજૂઆતો મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા સાંભળીને સંબંધિત જિલ્લા તંત્ર અને સરકારના વિભાગોને યોગ્ય કાર્યવાહી માટેની સુચનાઓ સાથે મોકલવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજુ થયેલી ૧૨ રજૂઆતો તેમણે ધ્યાનપૂર્વક સાંભળીને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આપવામાં આવતા આવાસોના દસ્તાવેજોની કામગીરીમાં ઝડપ લાવવા અને જરૂરી સુવિધાઓ આપવા હાઉસિંગ બોર્ડના કમિશ્નરશ્રીને સુચનાઓ આપી હતી.
બનાસકાંઠા જિલ્લાના સામાન્ય અને નાના વર્ગના ૪૫૦થી વધુ લોકોએ દસ્તાવેજ કરીને ખરીદેલી બિન ખેતીની જમીનનો લાંબા સમયથી તેમને કબજો મેળવવામાં થઈ રહેલી મુશ્કેલીની રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરેલી રજુઆત અંગે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને લેન્ડ ગ્રેબીંગની આ રજુઆત પરત્વે કડક કાર્યવાહી કરવાની સુચનાઓ જિલ્લા કલેક્ટરશ્રીને આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત કુદરતી પાણીના વહેણમાં ગેરકાયદેસર બાંધકામ કરી નદીનું પાણી અટકાવવાના પ્રશ્નો, કેનાલ પ્રોજેક્ટમાં સંપાદિત થયેલી જમીનનું વળતર ચૂકવવા, જાહેર જગ્યા પર અનઅધિકૃત દબાણ દૂર કરવા અંગેના પ્રશ્ન સહિતના પ્રશ્નોને નાગરિકો પરત્વે હકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને કડક કાર્યવાહી કરવાના જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા.
આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી ધિરજ પારેખ, રાકેશ વ્યાસ તથા સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઓગસ્ટ-૨૫ના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૧૫૨૯ અને તાલુકા સ્વાગતમાં ૨૭૦૧ રજૂઆતો સંદર્ભમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યુ છે.